પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જક્ષણી


"પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો ? આ મોતી શું કરશે ?" મેાતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી.

મેં કહ્યું: “ હિંદુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહિ કરનારને મળી રહે છે. માણસને નથી મળતું પણ કૂતરાં, કીડી, મકોડા, માછલાં, એમને મળી રહે છે. તો મને તમારી કોઇની ચિંતા થતી નથી."

"ભલે, જવાની ના નથી. પણ ક્યાં જવું છે ? "

પૂરી વણતાં વણતાં મેં કહ્યું: “ છૂપી પોલિસો અને ગુના પકડવાની વાતો લખો છો. ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો." કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે, માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે તેમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર, દખાવીને મૂકી હતી.

"તારી આંખમાંથી તો કાંઇ એક્સ -"

"ગુજરાતીમાં બોલો."

"ક્ષ-કિરણો નીકળે છે !"

મેં પૂરી તળતાં જવાબ આપ્યો "ક્ષ નહિ, એથી જરા આગળ, જ્ઞ-કિરણો નીકળે છે."

"ત્યારે એ જ્ઞ-કિરણો વડે જરા પ્રેમાનન્દનાં નાટકો કોનાં છે તે કહોને મારાં સર્વજ્ઞા બાઈ ! બિચારા ‘જ્ઞ્’ ઘણા વખતથી મહેનત કરે છે તેમને મદદ થશે. તે દહાડે આપ્યાં પણ વાંચ્યાં કેમ નહિ ?"

“ ચાલો મેં પીરસ્યું. જમતાં જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનન્દની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી તો એ પ્રેમાનન્દનાં

૬૫