પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ? અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહિ ને માંગ્યો તો આંધળો છોકરો આપ્યો.બોલો !"

હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિન્તા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કંઈક હેઠો બેઠો અને બોલ્યાઃ “ પણ મારા નસીબમાં તેા છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે. પણ કન્યા જરા નાની છે. પણ નાની છે પણ રૂપાળી બહુ છે હોં ! અને નાની છે પણ મુઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે મારા સારું શું લાવ્યા ? અને પાણી મગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે !" છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેનાં શીકરો ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા અને મને અને રેવાશંકર બન્નેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે.

મેં કહ્યું: "ત્યારે તો તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી.”

મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યાઃ “ તમે વૈદું જાણો છો ? ”

"ના".

"હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાઇડી પરણ્યા હતા, તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ ”—નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘદૃષ્ટિ અને ઝીણવટ રાખવી

૭૨