પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


"હા."

“ ત્યારે લાડુ કરીશું ?”

“ના, ભાઇને લાડુ પસંદ નથી. તેના કરતાં તો શીરો તેને ભાવે છે એમ એક દિવસ કહેતા હતા. અને સાથે ભજિયાં પણ કરીશું. તમે ભજિયાં માટે જે મળે તે લઈ આવો. ઘી પણ જોશે. શીરા માટે બદામ તો છે. ”

રધનાથ ઘીનું વાસણ લઈ એમ ને એમ ગામમાં ગયા. બીજી બાજુ ગંગાએ તુવરની દાળનું પાણી કાઢી નાખી તેની લચકો દાળ કરી અને દહીં સરસ હતું તે ભાંગીને કઢી કરવા માંડી. થોડી વારે રધનાથ તપેલીમાં તાજું, લીલી ઝાંયવાળું ઘી અને બીજા હાથમાં કોળું લૈને આવ્યા અને કહ્યું: "બીજું તો કાંઇ ન મળ્યું.”

"કાંઇ ફિકર નહિ, તમે એનાં પાતળાં પતીકાં કરો. એ તો કોળાનાં પણ સરસ ભજિયાં થશે." ગંગા ઊઠી અને ભજિયાં માટે ચણાની દાળ કાઢવા બેઠી. ડોસા અતિ ચીવટથી ભજિયાં માટે પાતળાં પતીકાં કરવા બેઠા. એમ આ થોડી મિનિટ પર ચિંતાજન્ય શાન્તિમાં ડૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાયમાં પડી ગયું.

રધનાથ ભટ ગામના પ્રતિષ્ઠિત અને નાતબતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં માબાપ ગુજરી ગયાં હતાં પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જઇ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા. જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાણ્ડ વગેરે ભણેલા હતા. તેનો કંઠ ધણો મધુર હતો અને

૭૯