પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


રમવાની છટા બણી જ વખણાઇ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રી-વિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી. અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ-વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કૉલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થિની હતી. પુરુષ તરફ કાંઇક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબેટિંગ સોસાઈટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણી વાર સ્ત્રીઓનો આવો તિરરકાર પુરુષને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદાર અને ફ્રેશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસમાં, સામા પક્ષના પુરુષ તરફથી બહુ જ સહેલાં પોઈન્ટ્સ તેને મળતાં અને તેના વળતા ફટકા નહિ લઈ શકવામાં પુરુષ પોતાને ધન્ય માનતો. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુન્દને મળ્યો. એક વાર મુકુન્દે તેના પક્ષકાર થઇ તેને ત્રણ સેટોમાં લાગલાગટ જીત અપાવી, ત્યારથી તેમની મૈત્રી વધી. પછી લેબોરેટરીમાં પણ બન્ને અનાયાસે ઘણીવાર એક જ ટેબલ પર ભેગાં થઇ જતાં. એકવાર મુકુન્દના ટેબલ પર મિસ ગુપ્તા જઇ ચડ્યાં. મુકુન્દે ટેસ્ટટયુબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું તે બતાવી કહ્યું: "મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો ?" મિસ ગુપ્તાએ હા પાડી. મુકુન્દે વાત લંબાવીઃ “સાયન્સને લોકો જડ માને છે. પણ કોણ કહેશે આમાં સૌન્દર્ય નથી ?” મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુન્દ આગળ વધ્યો: “ તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે ?" મિસ ગુપ્તાએ કહ્યું:"હા,

૮૨