પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


એ રંગની સાડી હોય કે પશુ ખરી.” મુકુન્દે જરા વધારે બહાદુર થઈ કહ્યું: "હોવી જ જોઇએ. હિંદુસ્તાન તો રંગોનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઈએ. આ રંગને આપણે સરખાવી જોઈએ તે કેવું ? ” મિસ ગુપ્તાને આમાં ઘણા રસ પડ્યો. બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુન્દને એ રંગનું સોલ્યુશન બનાવવા કહ્યું. મુકુન્દે કહ્યું: “ તમે પોતે જ બનાવો. હું બધી સામગ્રી કરી આપું. ” મુકુન્દે તેમ કર્યું. બધી ક્રિયા કર્યા પછી એક હાથમાં ટેસ્ટ ટયુબ અને બીજા હાથમાં શીશી લઈ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી, અંદર ધીમે ધીમે રંગ થતા જતા હતા તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઈ, અને છેડો સરવા લાગ્યો. અરધું જાણતાં અરધું અજાણતાં તેનાથી મુકુન્દનું નામ દેવાઈ ગયું અને મુકુન્દે કંઈ નહિ કહી તેના છેડો બહુ જ વિવેક અને મર્યાદાના દેખાવથી ખભા પર સરખો કરી આપ્યો. બસ, ત્યારથી મુકુન્દ જ આખી કૉલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો.

મુકુન્દની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા, અને તેના હુકમ ઉઠાવવા લાગ્યા. તેના ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફૅશન થઈ, તેને ઘણા પૈસાદાર મિત્રા થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો, રૅકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોથી તો તે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી.

૮૩