પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


એકાવાળાએ ભાડું માગ્યું, મુકુન્દે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, તેની ચાંપો ચપ ચપ ઊઘાડી, અને અંદરથી એક રૂપિયો કાઢી એકાવાળા તરફ જાણે રૂપિયામાં શું છે એવા અભિનયથી ફેંક્યો. એકાવાળો રૂપિયો લઈ ચાલવા જતા હતેા ત્યાં રઘનાથ ભટે કહ્યું: “કેમ ભાઈ, આટલું બધું ઠરાવ્યું હતું કે એકા તો આઠ દસ આનામાં આવે છે."

મુકુન્દે બેદરકારીથી જવાબ આપ્યો: "અમે તો કોઇ દિવસ ભાડું ઠરાવતા જ નથી. એટલી રકમમાં પાછું શું માગવું ? એની પાસે છૂટા પૈસા પણ નહિ હોય. કેમ અલ્યા, છૂટા પૈસા છે?"

પેલો તો ના જ પાડે ના!

મુકુન્દે વાત બંધ કરાવવાને માટે મોઢાનો ફેરફાર કર્યો, પણ તેના પિતા એ સમજી શકયા નહિ. તેમણે કહ્યું: “એટલા પૈસા તો ઘરમાંથી પણ નીકળશે. નહિ તો બજારમાંથી પણ મળશે."

મુકુન્દે આખરે છેવટના ફેંસલાના અવાજથી કહ્યું: "કાંઈ નહિ, બિચારો ગરીબ છે.” એકાવાળો આ રચનાથ ભટના દીકરાને સલામ ભરી ચાલતો થયો. પણ પોતાના ઘરની સ્થિતિ આમ ચાર છ આના પાછા લેવા જેવી છે એ બાબત આટલી બધી ખુલ્લી રીતે ચોળાઈ તેથી મુકુન્દને માઠું ઘણું લાગ્યું. પ્રયત્નથી હસતું મોં રાખી તે ઉપર ગયેા. સમાન સાથે નિરર્થક હાસ્ય અને અસમાન તરફ નિરર્થક તોછડાઇ એ આધુનિકતાનાં લક્ષણ છે.

ઉપર જઈ થોડી વાતચીત કરી પછી ચા પીધી. ચા પીધા

૮૭