પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


હરજીવનઃ "એ ખૂન છે. હું તો જઈશ."

મેં કહ્યું: “ ત્યારે તું જા. મારે તો અમુક ચાલવું જ જોઇએ. આટલામાં જ પાછો મળીશ ના!" હું આગળ ચાલવા માંડ્યો. તે નદીના પટમાં ઊતરવા પાછો ફર્યો.

પોણાએક કલાક પછી હું પાછો ફર્યો ત્યારે હરજીવનને પૂલ પર મારી રાહ જોતો ઊભેલો મેં જોયો. મારી પાસે આવી તેણે રૂપિયા માગ્યા. મેં કહ્યું: “આ નીચે જોવા ગયા'તા તેમાં રૂપિયા કમાયા કે શું ? ” “ ના, કમાયો શું તે તો તને હમણાં બતાવીશ પણ રૂપિયા આપ.” મેં રૂપિયા આપ્યા. અમે ચાલતા હતા પણ હરજીવનનું મન કંઈક વિચારમાં પડી ગયેલું મને લાગ્યું. તે મૂંગો મૂંગો આસપાસ ચકળવકળ જોતો ચાલ્યો. રસ્તામાં એક જગ્યા બતાવીને મને કહેઃ “ આ જુઓ ! ” હું આસપાસ જોવા લાગ્યા, પણ મને કશું દેખાયું નહિ. મને ફરી કહેઃ “ અહીં જુઓ, અહીં. " કંઇક માખીઓ બેઠેલી હતી. તે ધૂળ લઇ સૂંઘીને મને બતાવી કહેઃ "આ લોહીનાં ટીપાં છે.” મને તેમાં કાંઇ રસ પડ્તો નહિ. પોતે પોલિસ ચોકીમાં જઇ આવ્યો અને ઉતાવળો ચાલી મને મળીણે કહે: "જુઓ આ કમાયો. ” મેં કહ્યું: "પણ આની કિંમત્ રૂપિયાની નથી. બહુ બહુ તો પાવલું અરધો છે."

હરજીવનઃ “એક રીતે પાવલું અરધો પણ નથી અને બીજી રીતે એ અમૂલ્ય છે."

મેં કહ્યું: “ પણ નીચે વાત શી થઇ તે તો કહે."

હરજીવન ધીમે સાદે કહેવા લાગ્યો: “નીચે પંચનામામાં હું ચ પંચ થઇ આવ્યો. ”

૧૦૦