પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


“સરત એવી હતી કે એક વાર ચીત થઇ જાય તે ફરી લડવા ન આવી શકે. અને બીજાને તો તેણે રમત રમતમાં પછાડી દીધા. અને પછી તો ઊલટા બાકીના બે સાથે રહી તેનાથી નાસવા લાગ્યા. તેમાંથી એકને પાછો પછાડ્યો. પણ તેમાં મહાસુખને ઈજા થઇ એટલે હરજીવને સીસેાટી વગાડી એ વિગત પૂરી કરી."

મેં પૂછ્યું; “ એ મહાસુખ કોણ ?"

“એં! ઓલો મહાસુખ મૂંગો, નથી ઓળખતા !” પેલા કાઠિયાવાડીએ મારા હાથને આંચકો મારીને કહ્યું. હવે તેને કંઈક સમજાવવાની મને જરૂર જણાઇ. મેં કહ્યું: "તમે ઓળખો તે કાંઇ બધાય તો ઓછા ઓળખે ? એમાં..." “ "પણ અમેય ક્યાંના ઓળખનાર વળી ! આ તો બધાય અખાડાના માણસો માતર અને મહાસુખ મૂંગો કહે છે એટલે તમને કહ્યું.”

પેલા શેઠે કહ્યું: " શાહપુરના અખાડાનો ઉસ્તાદ છે અને અહીં અભ્યાસ કરવા રહ્યો છે. તે બહુ થોડાબોલો છે એટલે તેને બધા મહાસુખ મુંગો કહે છે. ગણી ગણીને અક્ષર બોલે એવો છે."

મેં કહ્યું: “ મને બતાવો જોઇએ. " બન્નેએ એને શોધ્યો પણ દીઠો નહિ.

હવે ટેબલ પર ઈનામો ગોઠવાઈ ગયાં હતાં. અખાડાવાળાઓએ પણ હવે નાગડા બાવાનો સ્વાંગ કંઇક કાઢ્યો હતો. નાનાં નાનાં ઈનામો અપાઈ ગયાં. મોટાંનો વારો આવ્યો. "હનમાન કૂદકો, પહેલું ઈનામઃ હરજીવન." અને હનુમાન જેવો હરજીવન આવીને લઇ ગયો. "અગદ કૂદકો, પહેલું: મહાસુખ. " મારી જ પાછળથી એક પાતળો ગૌર વર્ણનો

૧૦૬