પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


આપું પછી જ નામ આપું. હવે જુઓ એ અરસાનું ‘પ્રજાબંધું.’ ઑગસ્ટમાં અમદાવાદમાં એક જ નાટકમંડળી હતી: ‘ આર્ય નાટ્ય કલોત્તેજક મંડળી.' તેના માલિક પાસે હું ગયો હતો. તેની પાસે થોડાં નાટકનાં કપડાં ભાડે માગ્યાં. તે માટે ઓળખીતો હતો. મને કહેઃ ‘ ભાઈ સાહેબ! હવે કપડાં તો કોઇ દિવિસ ન આપું. તે દિવસ ભાડે આપ્યાં હતાં તેમાંથી એક સાડી તદ્દન ફાટીને આવી.' ' મેં કહ્યું: ‘ એમ તે કોઇ ફાડી નાખે ખરું વળી ?’ ‘હા, હા, સાહેબ, તમારી પાસે ખોટું શા માટે બોલું? જા, અલ્યા લાલિયા, પ્રમીલાના પાઠની સાડી લઈ આવ.' સાડી આવી, મેં જોઇ, ઓળખી. મેં કહ્યું: ‘ લાવો, જો તમને નુકસાન થયું હોય તો એ સાડી હું લઇ લઉં.’ ૧૫ રૂપિયા નક્કી કરી સાડી લીધી. મેં કહ્યું: ‘ પહેાંચ આપો. એટલે એ લોકો પાસેથી પૈસા હું લઇ શકું. તેણે હા કહી. પહોંચ લખતાં મેં કહ્યું: ‘ કોઇ અણઘડ છોકરો હશે તે ફાડી હશે.' તે કહેઃ ' અરે, ના રે સાહેબ. અણઘડ તો કાંઇ નહોતો. પેલો જેનો પાઠ સૌથી વખણાયો હતો તે જ હતો. નામ તો મને યાદ નથી. અને પાઠ શેનો હતો? એવાં નામો પણ યાદ ન રહે. પણ બધાં પેપરોમાં તેનાં વખાણ આવેલાં હતાં. તેણે ફાડી હતી. અને નાટક પછી બે દિવસ બધાં કપડાં મોડાં મળ્યાં. સાહેબ, ગમે તેમ પણ છોકરા: તેમને કશી જવાખદારી મળે જ ના.’ મેં કહ્યું: ‘ આ બધી હકીકત પહોંચમાં લખો. મારે એ છોકરો શોધી કાઢવો સહેલો પડે. જુઓ આ પહોંચ. તેમાં આ બધી હકીકત લખેલી છે. હવે કહો, તમારે બીજી શી સાબીતી જોઇએ છીએ?"

બધા લોકોએ બૂમ પાડી: “ નામ કહો, નામ કહો."

૧૧૫