પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


તે જ રોજથી ડૉ. શંભુપ્રસાદને ત્યાં મહાસુખનો કેસ છે. માથાના પાછલા ભાગમાં લાંબો ઘા પડેલો હતો, ડૉક્ટરને પૂછતાં તે કહે છે કે મહાસુખને અખાડામાં વાગેલું તેનો એ ઘા હતો, પણ અખાડામાં તપાસ કરતાં તેને અખાડામાં વાગ્યું જ નહોતું. એ ઘા પેલી ઝપાઝપીનો હોવો જોઇએ. હવે પ્રમુખ સાહેબને તે ઇનામ ભાઈ મહાસુખને આપવા હું વિનંતિ કરું છું."

પ્રમુખ: "પણ એવી રીતે ખૂનીને ઇનામ કેમ અપાય ? એમ કરવા જતાં આપણે બધા અને આ અખાડાની સંસ્થા જોખમમાં આવી પડીએ."

હરજીવનઃ "પણ સરકારી દફતરમાં એ ખૂન જ નથી."

પ્રમુખ: "ત્યારે સરકારમાં જે ખૂન નથી તેને આપણાથી ખૂન શી રીતે ઠરાવાય ?"

મેં પ્રથમ પ્રમુખને સમજાવ્યા અને તે સંમત થતાં સુધારો મૂક્યો: “આ બધા પુરાવાની તપાસ કરી નિર્ણય કરવા એક કમિટિ નીમવી."

હરજીવનઃ “ તમારા સુધારાને કોઇનો ટેકો છે ? ” આખી સભામાંથી એક પણ માણસે ટેકો ન આપ્યો. પ્રમુખે કહ્યું: "પણ મારો ટેકો છે." હરજીવન કહે: “ એ ન ચાલે." પ્રમુખ કહે: "હું એ સુધારો મંજૂર કરું છું.” અને આ શબ્દો કહેતાં આખી સભામાં જબરો ક્ષોભ થઇ ગયો. “બીતો હો તો ખુરશી છોડી ચાલ્યો જા" "બીકણ્" “બાયલો" "ઈન્કમ ટેક્ષ" "ત્યારે પ્રમુખ શું જોઇને થયો હતો" વગેરે અનેક બૂમો, એક પણ પૂરી સંભળાય નહિ એવી રીતે આવવા લાગી. "તમે આ પ્રમાણે વ્યવસ્થા ન રાખો અને તમારા પ્રમુખની સલાહ ન જ માનો તો પ્રમુખ રહેવું નથી," એમ સ્વગત ઉક્તિ કરી પ્રમુખ લોકોની ઠઠમાંથી માંડ માંડ રસ્તો

૧૧૭