પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


કરતા લોકોની તાળીઓના ગડગડાટ અને 'હૂરિયો'ના પોકાર વચ્ચે ચાલ્યા ગયા. હરજીવને અને બધા સ્વયંસેવકોએ પછી સભાને શાન્ત કરી. હરજીવને મોટે અવાજે કહ્યું: "પ્રમુખ સાહેબ ચાલી ગયા છે માટે આજનું કામ પૂરૂં કરવા કોઈ બીજો પ્રમુખ નીમવો જોઇએ." લોકોએ "હરજીવન" "હરજીવન"ના પોકારો કર્યા. હરજીવને પણ કાંઇ પણ વિવેક વિના "આપનો સર્વનો મત હોય તો હું એ સ્થાન લઉં છું." કહી પ્રમુખસ્થાન લીધું. પછી પૂછ્યું: "આ ઈનામ ભાઈ મહાસુખને આપવા વિરુદ્ધ હોય તે હાથ્ ઊંચો કરો." મને પણ હવે હાથ ઊંચો કરવો નિરર્થક લાગ્યો. "પક્ષના:" આખા ચોગાનમાં એક હાથોનું વન્ થઈ રહ્યું. "ત્યારે એ ઈનામ હું ભાઈ મહાસુખને આપું છું." કહી હરજીવને ઈનામ આપ્યું.

હરજીવને કહ્યું: "છૂટા પડતા પહેલાં મારે થોડું કામ કરવાનું રહે છે. શેઠ મોતીચંદનું ઈનામ તો મહાસુખને મળ્યું. મારે પણ એક ઈનામ આપવું છે. મહાસુખને આમ લાવો." લોકો બધા શાન્ત થઇ ગયા. અખાડિયાઓએ મહાસુખને પકડી આણ્યો. તેના પર હરજીવને પેલી ખોટી જરીની સાડી ઓઢાડી, દીવાના ઝળહળતા પ્રકાશ તરફ્ તેનું મોઢું ફેરવ્યું અને લોકો તરફ જોઈ કહ્યું: "જુઓ આ મોઢું ઓછું મોહક છે? જાણે વિષ્ણુનો મોહીની સ્વરૂપ અવતાર!" અખાડિયાઓએ તરફડતા મહાસુખને ઝાલી ચારે તરફ ફેરવ્યો. હરજીવને સભા બરખાસ્ત કરી. પણ અખાડિયાઓનું એ તાંડવ ઘણી વાર સુધી ચાલુ રહ્યું.

આટલી ઘેલછા મેં કોઈ સભામાં જોઈ નથી. ત્યારથી કોઇ પણ અસહકારીઓની સભામાં જવાનું મેં બંધ કર્યું છે.

૧૧૮