પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


ભાર દઈ મેં કોળિયો કાઢી નખાવ્યો, ત્યારે ડોશીએ શ્વાસ લીધો. ખાવાનું પડયું મૂક્યું. મેં ચા પીવાની સૂચના કરી પણ મારી માએ મને સમજાવ્યો કે તેમાં ખાંડ આવે માટે તે ન લેવાય. એ દિવસ આખો ડોશીએ ખાધા વિના કાઢ્યો. માત્ર બહારથી માણસો આવે તેની સાથે કુટે તે સિવાય ડોશીમાં જીવનની કશી નિશાની રહી નહોતી.

ડોશીને ઉપવાસનો ત્રીજો દિવસ થયો. ભૂખ્યા પેટમાં વાયુ થયો, ઓડકાર આવવા લાગ્યા, અને ગોળો ચઢ્યા જેવું થઇ ડોશી પડી ગયાં. અમે બધાં ચિન્તામાં પડ્યાં. મારી પત્નીને માટે ઘેર સોડા બનાવવાની ટીકડીઓ હું લાવેલો હતો તેમાં થાડું જિંજર નાખી મેં ડોશીને પાયું, ડોશીને શાંતિ વળી. હાશ કરીને બેઠાં થયાં. તે દિવસે તેમણે થોડું ખાધું.

ચોથે દિવસે ડોશીએ ઘેર જવા ઇચ્છા બતાવી. હું કુંચીઓ લઇ આગળ થયો. ધીમે રહી તાળું ઉઘાડ્યું. મોટાં ભારે વેણીબંધ કમાડ ધીમે પણ ગંભીરતાથી અવાજ કરતાં ઊઘડ્યાં. તેથી જાણે મૃત્યુની નીરવતા જાગૃત થઇ, રૂપચંદનો ખાટલો અને ઘરની એકેએક ચીજ મૃત્યુને જ તાજું કરી આપતી હતી. હું જાણે મૃત્યુની જ સમક્ષ આભો થઇ ઊભો રહ્યો. ડોશી તો ત્યાં આવતાં જ મારા આગળ ઢગલો થઇ પડયાં. ઘરમાંથી એમોનિયમ મંગાવી મેં સુંધાડ્યું અને ઘેરથી ગરમ મસાલાનો ચા કરી પાયો. રાત્રે ડોશીએ ખીચડી કરી પણ એકલા ઘરમાં ભાવી નહિ, કૂતરાંને નીરી દીધી.

બીજે દિવસે હું જ ઘેરથી ચા લઇ ગયો. ડોશીએ પીધી. બપોરે પાછો ખીચડી લઇ ગયો. ખીચડીમાં ઘેરથી

૧૨૩