લાગણીની તુચ્છતા, મહત્તા કે ગંભીરતા મોટે ભાગે જે બનાવો મનુષ્યની તે તે લાગણીના આવિષ્કારનાં કારણો બને છે તેના ઉપર આધાર રાખે છે; અહીંઆ બનાવનું માપ કોઈ બાહ્ય ધોરણથી નહિ પણ મનુષ્યના માનસિક જીવનમાં તેનું જે સ્થાન હોય તે દૃષ્ટિથી આંકવાનું છે. કવિ વાર્તાકાર મહાન કે ગંભીર ભાવ હમેશાં વ્યવહારમાં જે ગંભીર કે મહાન બનાવો કહેવાય છે તેના નિરૂપણથી સાધતો નથી; એના બનાવની મહત્તા અને ગંભીરતાનું માપ કવિએ કલ્પેલા વૈયક્તિક માનસિક જીવનના ધોરણે કાઢવાનું હોય છે. આથી જ એક ગરીબ મજૂરના ઘરનું એકનું એક હાંલ્લું ફૂટી જાય અને એક શ્રીમંતના ઘરમાં કિંમતી ચાહનો સેટ નોકરની બેવકુફીથી ફૂટી જાય એ બન્નેથી ઉત્પન્ન થતી લાગણી જુદી હોય છે; એટલું જ નહિ પણ એક હોય ત્યાં તેની ગંભીરતા વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ઉપરનું વિધાન સમજવાનું છે.
બનાવોથી કેવળ બાહ્ય બનાવો જ સમજવાના નથી; માનસિક પરિવર્તનનો પણ એ શબ્દમાં સમાવેશ કરી લેવાનો છે.
રસમીમાંસકોનું બીજું એક સ્પષ્ટ વિધાન એ છે, કે રસનો અનુભવ તે તે લાગણીના નામનિર્દેશથી અથવા કેવળ તેના વર્ણનથી થતા નથી; આ વિધાનને વધારે સ્ફુટ એ રીતે કરી શકાય કે કાવ્યમાં જેટલું બીજા પદાર્થોનાં વર્ણનોનું સ્થાન છે તેનાથી વિશેષ લાગણીના વર્ણનનું સ્થાન નથી. રસનો અનુભવ અમુક લાગણીના સીધા વર્ણનદ્વારા નહિ પણ બનાવોના સન્નિવેશથી સૂચિત થવો જોઇએ ! રસનો અનુભવ એ બનાવોનો વ્યંગ્ય છે, એ વિધાન ટૂંકી વાર્તાની કદર કરવા માટે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ ! બનાવોના નિરૂપણનું આકલન કે ચર્વણ કેવી રીતે તે તે લાગણીનો અનુભવ