પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવો જન્મ


થોડા જ દિવસોમાં બિન્દુની માવજત કરતાં પણ તેને ખાતાં સાચવવાનું કામ વધારે આકરૂં થઈ પડ્યું.

બિન્દુ માંદો હતા એટલા દિવસ કમલા સેવિકામંડળમાં જઈ શકતી નહોતી, બિન્દુ તદ્દન સાજો થયો. અજવાળિયું ચાલતું હતું એ યોગ જોઈ કમલાએ ચાંદનીમાં ભેગાં થવા મંડળનાં બધાં સભ્યોને આમંત્રણ આપ્યું. સાંજ પડી ત્યારથી અમારા બંગલામાં મુંબઇનો અલબેલો સ્ત્રીસમાજ ઊભરાવા લાગ્યો. જાતજાતનાં વસ્ત્રો, જાતજાતના રંગો, જાતજાતની રીતભાતો અને વાક્છટાથી અમારા ચોક તરવરવા લાગ્યો. અર્ધ દેશી, અર્ધ અંગ્રેજી, અર્ધ સ્વાભાવિક, અર્ધ કૃત્રિમ રીતે સ્ત્રીઓએ કમલાને અને બિન્દુને યથાયોગ્ય અભિનન્દન આપ્યાં, રમાડયાં, સુખમનવો કર્યાં, એક પારસણ બાઇએ બિન્દુના હાથમાં બે રૂપયા મૂક્યા ક્મલાએ આ વખતે બિન્દુ બચ્ચાનો જશ ડોશીનો છે એમ કહી માનપુરઃસર ડોશીની ઓળખાણ કરાવી. થોડી વારે ચાંદની નીકળી એટલે સ્ત્રીઓએ રાસ લેવા શરૂ કર્યાં. ડોશી દૂર હતાં તેમને કમલા અને બીજી સ્ત્રીઓ આગ્રહ કરીને કુંડાળાની વચમાં લઈ આવ્યાં. ત્યાં તે બીજી કેટલીક સ્ત્રીઓની સાથે બિન્દુને લઇને બેઠાં. બિન્દુ સાજો થયો ત્યારથી ડોશીને બહુ હળી ગયો હતો.

બધાંએ આગ્રહ કરીને કમલાને ગીત ઉપાડવાનું કહ્યું. કમલાએ ધીમેથીઃ

હરિ વેણુ વાય છે રે હો વનમાં

ગીત ઉપાડયું. કમલા ગામડામાં ઉછેરેલી છે એટલે તેના કંઠમાં લોકગીતની શુદ્ધ મીઠી હલક છે, સૌ સ્ત્રીઓથી તેની હલક જુદી પડતી હતી. ડોશી કુંડાળામાં બિન્દુને રમાડતાં

૧૩૧