લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


બા સાથે ત્યાં થોડા માસ ગયેલો. હું મેટ્રિક ક્લાસમાં હતો. ભાટોદર ઘણું નાનું ગામ છે. થોડી ચોપડીઓ સાથે લઈ ગયેલો, પણ વાંચવું ગમતું નહોતું; છતાં ગામમાં પણ કાંઇ ગમતું નહોતું. ગામના મારી ઉમ્મરના છોકરાઓ બધા ખેતરમાં કામે જાય, અને નાળિયેર ફોડવાની, પથ્થરો ઊંચકવાની, ગેડગેડામણી, ખજુર ખાવાની રમતો રમે તેમાં મને રસ ન પડે. સ્વાભાવિક રીતે ત્યાં હું કપિલરાય તરફ આકર્શાયો. કપિલરાય એ ગામનો વતની હતો, અને અમદાવાદની બોર્ડિંગમાં રહી મેટ્રિક ક્લાસમાં ભણતો હતો. હું તાજો જ મેટ્રિક ક્લાસમાં પડેલો અને કપિલરાયને મેટ્રિકની એ પરીક્ષાઓનો અનુભવ થઈ ગયેલો એટલે તેના તરફ હું ઘણી માનની દૃષ્ટિથી જોતો. વિશેષ માન તો મને એટલા માટે થયું હતું કે એ મારાથી બે ત્રણ વરસે જ મોટા, છતાં તે ગામના સંભાવિત ગૃહસ્થની પેઠે રહેતા, ખેસ નાખીને ફરતા, ચોરે જતા, ગામગપાટા મારતા, અને ગામ આખું ન જાણતું હોય તેવી શહેરની તથા સાહિત્યની વાતો કરતા. તેમ છતાં મારા તરફ અત્યંત સ્નેહ બતાવી મને પરીક્ષામાં શું કરવું વગેરે શિખામણ આપતા, અને મંડપમાં તેમણે નકામી નોટબુકો મંગાવીને સુપરવાઈઝરને હેરાન કર્યો હતો તથા જતાં જતાં બે હાથ પહોળા રાખી ખડિયો ઢોળી કાઢી પરીક્ષાની ફી વસુલ કરી હતી, તે વાત કરી વિનોદ સાથે આશ્ચર્ય પમાડતા.

એક દિવસ હું મારા મામા સાથે ઊંધિયું ખાવા ચોરે ગયો હતો. ઊંધિયું ખાઈ રહ્યા ત્યાં ગામના મુખીએ મારા મામાને એક અરજી વાંચવા કહ્યું. અરજીમાં કોઇ ચ્યવનરાય નિર્દોષી

૧૪૪