પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


નામના માણસે અમુક અમુક નંબરો પોતાના પિતાના નામ પરથી પોતાના નામ પર ચઢાવી આપવા લખેલું. પણ તે આસામી કોણ તે સમજાતું નહોતું. મારા મામા પણ વિચારમાં પડયા એટલામાં કપિલરાય આવ્યા. “કેમ મુખી, ચિંતામાં પડ્યા છો ? કાંઇ મુકામ બુકામ આવે છે કે કેમ ? આવતો હોય તો ચિંતા ન કરશો, આપણે સાથે ઊભા રહીશું." મુખીએ કહ્યું: “ ના ના, પણ આ અરજીમાં કોકનું નામ છે તે ઓળખાતો નથી. તે નંબર બરાબર જોવા પડશે." “ લાવો જોઇએ, શું છે?" કહી કપિલરાયે અરજી વાંચી કહ્યું: “ તેની ફિકર ન કરશો. હું બધો ખુલાસો કરી આપીશ." મુખી કહે: "ત્યારે કરી નાખોને." " ના, ના, અત્યારે તો મારે ઘણું કામ છે. બધી ટપાલ લખવાની છે. અને સમજાવતાં વખત લાગે એમ છે" કહી ચાલવા માંડ્યા. ચાલતાં ચાલતાં મારા સામું જોયું. હું તેમના જવાબથી ચકિત થઈ આદરપૂર્વક જોઈ રહ્યો હતો. મને કહે: "ચાલોને મિ. ભટ્ટ, અહીં શું કરશો ? મારી સાથે ચાલો. ઘણું નવું જાણવાનું મળશે." હું સાથે ગયો. અમે ઘેર પહોંચ્યા. માથા પર છાપરું અથડાય નહિ તેની સંભાળ રાખતા બન્ને મેડી ઉપર ગયા. કપિલરાયે બારી ઉધાડી, પોતાના ખેસ વતી ઢાળિયા ઉપરની તથા ગાદી તકીયા ઉપરની ધૂળ ખંખેરી નાંખી પોતે બેસી મને હાથ ઝાલી પાસે બેસાર્યો. હું સંકોચાતો પાસે બેઠો. પેલી અરજી વિશે મને પૂછવાની ઈચ્છા થઈ, પણ આવા કામઢા માણસને કેમ પૂછાય કરી હું કૌતુકથી તેમની સામું જોઈ રહ્યો અને સંકાચ પામતાં દિવાલો ઉપરના ફોટોગ્રાફો અને વર્તમાનપત્રોમાંથી કાપેલાં ચિત્રો જોવા લાગ્યો. તેમનાં કપાટો મારે

૧૪૫