પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


તે પછી ચારેક વરસે અમે ફરી મળ્યા. હું એલ્ફિન્સ્ટન કૉલેજમાં ફર્સ્ટ બી. એ. માં હતો. કપિલરાય ઇન્ટર આટર્સમાં એક વાર નાપાસ થઇ મુંબઈ આવ્યા હતા. પરીક્ષકો મુંબઇની કૉલેજમાંથી નીમાય છે માટે મુંબઈની નોટોનો લાભ લેવા મુંબઈ આવવું તેમણે પસંદ કર્યું હતું. તેમની સાહિત્યપ્રવૃત્તિ આટલાં વરસમાં ઘણી વધી ગઇ હતી. મને તેમને માટે હવે માન કરતાં કંટાળો અને ધૃણા વધારે આવતાં. પણ તેઓ તો પોતાનાં કાવ્યેા, વાર્તા આદિમાં મસ્ત રહેતા. જે વિષયમાં નાપાસ પડતા તેની કવિતા કરતા, એક વાર તેમાં તર્ક અને બર્કનો અનાયાસે પ્રાસ મળી જતાં તેમના આનંદનો પાર રહ્યો નહોતો.

એક વાર રજાના દિવસોમાં કપિલરાય મને મળવા આવ્યા. અલબત હું પણ માસિકો વગેરે વાંચતો થયો હતો. પણ સાહિત્ય સંબંધી તેમની વાતોમાં રસ નહિ પડવાથી, અને તેમને ઝટ ઊઠવાની ટેવ નહિ હોવાથી, પાસેના મિત્રોને બોલાવી ચોપાટ રમવાનું શરૂ કર્યું. કપિલરાયને ચોપાટ રમવાનું પૂછ્યું ત્યારે કહે, કે આવી નિર્દય રીતે ‘સમયને મારવાનું’ પોતે પસંદ નથી કરતા. છતાં અમને સલાહ આપવા બેઠા. જે રમતા નથી, રમી શકતા નથી, તે હંમેશાં સલાહ આપવાનું કામ કરે છે.

ચોપાટ જેવી કોઈ લાંબી રમત નથી. હિંદુસ્તાનમાં જ્યારે લોકો નવરા હશે અને વખત ખૂટતો નહિ હાય, ત્યારે આ રમત શોધાઇ હશે. છતાં અમારી રમત ચગી. તેનું કારણ અમારી રમવાની આવડત નહિ પણ અણાવડત હતું. એ અણાવડતનો અવકાશ અમે વાતોથી પૂરી લઈ મજા માણતા હતા.

૧૪૯