પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


લેખના લખનાર તરીકે પસંદ કર્યો. અમારામાંથી ચાર પાંચે એકસાથે એ મતલબનાં ચર્ચાપત્રો આપવા માંડ્યાં. એકે લખ્યું કે હજી પ્રેમાનન્દનાં નાટકોનું કર્તૃત્વ સંદિગ્ધ છે ત્યાં આવા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તે સાહિત્યની અનવસ્થા દર્શાવે છે. સરસ્વતી પત્રિકાએ મૂળ લેખકની ખાતરી કર્યા વિના લેખ સ્વીકાર્યો એ સાહિત્યનો અપરાધ કર્યો છે. આ લેખને જ નોબેલ પ્રાઇઝ મળે અને આપણે લેખકને ન શોધી શકીએ તો જગતમાં આપણું કેવું ખરાબ દેખાય ! બીજાએ લખ્યું કે આ લેખ અને થોડાંએક વર્ષો ઉપર ચોપાટ ઉપર લખાયેલા લેખની વચ્ચે ઘણું સામ્ય છે, અને લેખકને ચોપાટનો શોખ ન હોય તો આવો લેખ લખી ન શકે માટે એ જ લેખકનો આ લેખ હોવો જોઇએ. એ લેખ જૂની ફાઇલોમાંથી શોધીને તેના કર્તાનું નામ નક્કી કરી બહાર પાડવું જોઇએ. વળી ત્રીજાએ છગનલાલના એક બીજા લેખમાં કોઈ સાક્ષર ઉપર ટીકા હતી તેની અને આ લેખની વચ્ચે સામ્ય બતાવી અનુમાન બાંધ્યું કે, એ બન્નેનો એક જ લેખક હોવો જોઇએ. આ ચર્ચાપત્રો એકદમ વરસવા માંડ્યાં. તેના વિરુદ્ધ અમારામાંથી જ કોઈ એ લખ્યું. તેના જવાબમાં અમે એક જણ પાસે લખાવ્યું, તેમાં પેલા વિરુદ્ધ ચર્ચાપત્રનું ખંડન કરી વિશેષમાં લખ્યું કે આ કાંઈ પ્રેમાનન્દ જેવો પ્રશ્ન નથી. છગનલાલ હયાત છે અને અમે આહ્વાન કરીએ છીએ કે આ લેખ તેમણે લખ્યો નથી એમ તે સાબીત કરી આપે ! છગનલાલ પાસે અમે જવાબ લખાવ્યો અને તેમાં સ્પષ્ટ ઈનકાર કોઇ જગ્યાએ ન કરતાં એટલું જ લખાવ્યું કે એ લેખ મારો નથી એમ મારે શી રીતે સાબીત કરવું તે કોઈ બતાવશો ?

૧૫૪