પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


અને એ જવાબ પ્રસિદ્ધ થતાં જ અમારામાંથી બે જણે એકસાથે ચર્ચાપત્રો લખ્યાં કે એવો અસ્પષ્ટ જવાબ નહિ ચાલે. ચોખ્ખો ઇનકાર લખાવો જોઈએ. તંત્રીએ પણ નીચે એવી જ મતલબની નોંધ લખી. અમારામાંથી વળી બે માણસોએ અમુક અમુક સાક્ષરોને ‘ગાંડી સોગઠી’ અને ‘બૂંદિયાળ’ કહ્યાના આક્ષેપો સાચા કરી આપવા ભાઇ છગનલાલને ખુલ્લા પત્રો લખ્યા. અને એક બે માસમાં તેા છગનલાલ જ એ લેખના લેખક છે, એમ લગભગ દરેક તંત્રીએ માનવા માંડ્યું. હવે છગનલાલને ધર્મરાજા જેટલું ય જુઠ્ઠું બોલવાની જરૂર ન રહી. માત્ર મૌનથી નહિ ધારેલી ઝડપથી એ ગપ પ્રસરી ગયું.

ડૉક્ટરઃ તમે સારી યુક્તિ શેાધી કાઢી અને તે સફળ પણ થઇ ગઈ. અત્યારે એની વાત કરતાં પણ તમારા મોં પર હું ઉત્સાહ જોઈ શકું છું."

મેં કહ્યુંઃ "પણ જ્યાં સુધી કપિલરાય બહાર ન પડે ત્યાં સુધી અમારી યુક્તિ સફળ થઇ ન ગણાય. અમે માનેલું તેઓ જરૂર પેાતાના કર્તુત્વની સાબીતી લઇને કે માસિકમાં ડોકિયું કરવાના, છેવટે બીજું કાંઇ નહિ તો અમને મળવા તો આવવાના જ. એક માસ ગયો, બે માસ ગયા, છતાં કપિલરાયના કાંઈ સમાચાર ન મળ્યા. છેવટે તેમની કૉલેજમાં જઈ ખબર કાઢવાનો મેં વિચાર કર્યો.

કૉલેજમાં તેમને સીધા ન મળવા જતાં, તેમને વિશે હકીકત જાણવા માટે, પહેલા હું તેમના નાતીલા એક મિ. પંડ્યાની ઓરડીએ ગયેા. મેં પૂછ્યું: "કેમ નં. ૮૭ ની ઓરડીના શા ખબર છે ? ” પણ તેના મોંપરની ગંભીરતા જોઈ હું આભો જ બની ગયો.

૧૫૫