પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ખેમી


"અલ્યા એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોગાડ્ય." ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દીવાસળી સળગાવી એટલે ખેમીએ કહ્યું.

"પણ આ જોને પવને ય કેવો ઊંધો થયો છે, દીવાસળી સળગવા જ નથી દેતો.” ધનિયાએ ફરી બાકસ ઉઘાડ્યું.

" લે હું આડું લૂગડું ધરું. " ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દીવાસળી સળગી, તે શ્વાસ અંદર લે અને મુકે તે પ્રમાણે દીવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન, ભરેલા, ઘઉંવર્ણા પણ ઉજ્જવલ, મોટી તેજસ્વી આંખોવાળા, નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઇ રહ્યો. બીડીની લિજ્જત કરતાં તે નવેઢાના સૌંદર્યપાનમાં ગરકાવ થઈ ગયો. બીડી સળગી એટલે ખેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી તેને ધનિયાએ કહ્યું:

“ લે મારા સમ, આઘી જા તો."

"ગાંડાં ન કાઢ, ગાંડાં." કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઈ.

"તારા સમ, ખેમી, તું મને બહુ વાલી લાગ છ."

૧૬૦