પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१८


‘દ્વિરેફની વાતો’નો ઉપોદ્‌ઘાત લખતાં ઉપરનું વિવેચન કરવાની મારા માટે એ જરૂર હતી, કે એમાં જણાવેલા વિચારોના સંસ્કારવાળા મારા ચિત્ત ઉપર એ વાતની શી અસર થઈ છે તે સ્ફુટતાથી જણાવી શકાય. પણ આ ઉપરથી કોઈએ એમ માની લેવાનું નથી કે એ વિચારોના માપથી જ હું ‘દ્વિરેફની વાતો’ માપવાનો છું; પણ ઊલટું એ વિચારો બાંધવામાં જેમ ચેખોવ આદિ બીજા ટૂંકી વાર્તાના લેખકોની કૃતિઓ કારણભૂત થઈ છે તેમ ‘દ્વિરેફની વાતો’ પણ થઈ છે.

‘દ્વિરેફની વાતો’ વાંચતાં સૌથી પ્રથમ વિચાર એ આવે છે, કે ખરેખર આ બધી વાતો છે; અને તે પણ આપણા ગુજરાતી પ્રચલિત અર્થમાં. નાનપણમાં આપણે જે વાતો, ટુચકા, સ્વભાવ અને લક્ષણો સૂચવતા કિસ્સાઓ સાંભળ્યા હોય અને એ સાંભળતા સાંભળતા હસ્યા હોઇએ અને સાંભળી રહ્યા પછી ન સમજાય એવી રીતે લાગે કે ‘એકલું હસ્યા એ કાંઈ ઠીક ન થયું’ આવા બાળપણના વાતોના સંસ્કારવાળા ગુજરાતી વાંચનારને એ પરંપરા આ વાતોમાં ચાલુ રહેલી લાગશે. અને હું માનું છું, કે આ વાતો રચતાં દ્વિરેફના મનમાં બાળપણના વાતોના સંસ્કારોએ જેટલો હિસ્સો આપ્યા હશે, તેટલો તેમની પછીની સાહિત્યની વિદ્વત્તાએ આપ્યો નહિ હોય !

આ સંગ્રહમાંની ઘણી વાતો વાંચનારને વિવિધ રીતે હસાવે છે. આ હસવાની વિવિધ રીતોનો નિર્દેશ કરવા મને તળપદા ગુજરાતી શબ્દો જડતા નથી. પણ જેને