પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


રમળના પારા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઇ મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું: "મહારાજ, મારે સવાલ પૂછવો છે." "તો ચાર આના નીચે પગથિયા પર મૂક. ” મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, તેના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી, મહારાજે છાંટ નાખી લઇ લીધી. પછી કહ્યું: "પૂછ હવે.:

"મહારાજ, કોઇનો ધણી માનતા સોતો મરી ગયો હોય, તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે ? બરાબર જોજો મહારાજ."

આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું: “ હા."

“ સારું મહારાજ ” કહી ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું: "પણ નાતરે જાય તો ન પહોંચે. ” ખેમી પગે લાગી ચાલી ગઈ.

ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડયા. ખેમીની કળા પડી ગઇ હતી, પણ તેનું સૌંદર્ય ઓછું થયું નહોતું. ધણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો.

સાત વરસે તે ધનિયાની માનતાએઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ધરગવા કહેવરાવ્યું. તેણે જવાબ આપ્યો" “ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું."

૧૭૪