પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२९


કેવળ વાર્તા તરીકે આખા સંગ્રહમાં મારી દૃષ્ટિએ આ વાર્તા ઉત્તમ છે. આની સાથે ઊભી રહે એવી બીજી વાર્તા 'ખેમી' ની છે, પણ તે આગળ ઉપર.

આ વાર્તાની વિશેષતા એ છે, કે તેમાં વાર્તા બહાર કાંઈ વિશેષ તાત્પર્યો શોધવાની જરૂર નથી; અથવા આ વાર્તાની સુંદરતાનો આધાર એવાં કોઈ તાત્પર્યોમાં નથી. આ વાર્તામાં જે હૃદયંગમ વ્યંગ્ય છે તે પ્રસન્ન દામ્પત્યનું છે. અને એ દામ્પત્ય ભાવને આદિથી અન્ત સુધી સહજ હાસ્યના વાતાવરણમાં મૂકી તેને વધારે વાસ્તવિક અને આકર્ષક બનાવ્યું છે.

શ્રી ગગનવહારી આ વાર્તાઓના અવલોકનમાં “ ‘જક્ષણી’માં બાળલગ્નનો અને અંધશ્રદ્ધાનો ઉપહાસ છે” એમ જણાવે છે. આ વાર્તામાં એ બન્નેનો ઉપહાસ છે અને એવો બીજી અનેક બાબતોનો ઉપહાસ છે. પણ એનો અર્થ જો તે એમ કરતા હોય કે આ વાર્તાને મુખ્ય વિષય કે વ્યંગ્ય એવો ઉપહાસ છે તો મને લાગે છે કે એ બરાબર નથી. *[૧]

‘ પહેલું નામ’ જેને ડિટેક્ટીવ વાતો કહે છે તે ઢબની છે. ડિટેક્ટીવ વાર્તાના અનેક પ્રકારો અંગ્રેજી સાહિત્યમાં વિદ્યમાન છે. તે દરેકમાં આકર્ષણ અમુક ગૃઢ બનાવ—ખાસ કરીને ગુનો કેવી રીતે ધીમે ધીમે પ્રકાશમાં આવતો જાય છે તેમાં રહેલું છે. એમાં તર્કપરંપરા સુશ્લિષ્ટ રીતે ગોઠવેલી હોય છે. શોધ કરનારનાં બુદ્ધિચાતુર્ય અને સ્વભાવની વિલક્ષતાઓ આકર્ષક હોય છે. કેટલીક વાતોમાં રૌદ્ર ભાવો એ જ મુખ્ય આકર્ષણ હોય છે. ×[૨]


  1. *જુઓ 'કૌમુદી’ વર્ષ ૫, અંક ૧ લો. પૃ. ૧૭૦
  2. × ડિટેક્ટીવ સ્ટોરીના નિરૂપણ માટે મી. ઉવૉર્ડના મોડર્ન શૉર્ટ સ્ટોરી નામના પુસ્તકનું ૧૬મું પ્રકરણ જોવા જેવું છે; તેમાં જો કે ચેસ્ટરટનને જોઇએ તેવો ન્યાય થયો નથી.