પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


કામ નહિ આવે. તકરાર મોટી થઇ પડી છે. હું અને ભાઈ વચ્ચે તકરાર પડી છે.

ગૌરી વડીલને જોઇ ચાલવા જતી હતી તેને પકડી રાખી તે કરી બોલીઃ લો; ભાભી સાહેબનું દફ્તરમાં નામ ન નોંધાવ્યું એટલે એ તો રીસાઇને ચાલ્યાં. એમનો પણ દાવો છે અને બાનો પણ દાવો છે. આપણા ઘરમાં ડાહ્યલો હતો. તેના હાથમાંથી બાટલી કોણે લઇ લીધી તે સવાલ છે. હું કહું છું મેં લીધી અને ભાઈ કહે છે—

મોટાભાઈ : : હા, તે તમે બધાંએ ઘણી વાર એના હાથમાંથી બાટલી લીધી હશે તેમાં તકરાર શી કરો છો? મેં તો માત્ર એક વાર ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધેલી. મેં તેને સ્ટવ સળગાવવાનું કહ્યું. તેણે થોડો સ્પિરિટ નાખીને સળગાવ્યો, મેં કહ્યું: ‘ અલ્યા ઓછો પડશે' એટલે મૂરખો સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવાનું કરતો હતો. મેં તેના હાથમાંથી બાટલી લઈ લીધી.

હીરા : આ તો તમે પણ ખરેખર પક્ષકાર થઇ ગયા. હવે કરવું શું?

બા: હવે મોટાંભાભી બાકી રહ્યાં. એ પણ કહે કે મેં સળગતું બચાવ્યું હતું એટલે થયું. નાટક પૂરું થાય.

બરાબર આ જ વખતે મોટાંભાભી આવી પહોંચ્યાં.

હીરા : ભાભી, આયુષ્ય તો લાંબું છે. મેલો આપણા ઘરમાં સ્પિરિટ સળગાવતાં ડાહ્યલાના હાથમાંથી બાટલી કોણે લઇ લીધી હતી ? જો જો, મેં જ લીધી'તી એમ ન કહેતાં.

મોટાંભાભી: તમે પણ એ જ વાત કરો છો ! હું તો માનું જ છું કે મનોમન સાક્ષી છે. [મારા સામું જોઇને ]