મગનલાલ : મારા સાળાને ન્યુમોનિયા થયેલો અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કર્યું, તો પણ હાજર ન થવાના સબબથી આખી રજા કપાતે પગારે ગણાઈ અને આખી સર્વિસને ધક્કો પહોંચ્યો. તમે જાણો જ છો તો !
રમણલાલ : તે તમે કહો તો હું પણ સર્ટિફિકેટ રજૂ કરું. પણ તેની જરૂર છે ? તમે જુઓને આ મારા સાંધા હજુ સૂઝી ગયેલા છે.
માસ્તરે પગ અને હાથનાં આંગળાં બતાવ્યાં પણ કોઇએ સામું ન જોયું. એક માણસ જુઠ્ઠો છે એમ માનવાનો માંડ મળેલો પ્રસંગ પાછો ખોટો પડી જાય ના !
છોટાલાલ : ના. અમને ક્યાં વહેમ છે ? આપણે ક્યાં એવા સરકારી ધારાના બંધાયેલા છીએ ?
છેવટે માસ્તર ઉપર શક નથી એમ અનેક વાર કહીને નક્કી કર્યું કે માસ્તરે રેલ્વે ડૉક્ટરનું સર્ટિફિકેટ તો રજુ કરવું.
આઠ દિવસ પછી એ જ બાબત ભરાયલી સમિતિમાં નીચે પ્રમાણે ચર્ચા ચાલી.
દુર્ગાશંકર ચશ્માં ચડાવી હાથમાં તાર અને સર્ટિફિકેટ રાખી બોલ્યાઃ રહો. તમે તો. ૧૭ મીએ માંદા પડ્યા. ટૂંટિયું ન થયું હોત તો તમે અહીં વખતસર આવી શકત ખરા ?
રમણલાલ : હા, ૧૭ મીની રાત્રે મહેરાનપુરથી નીકળત તો અહીં ૧૮ મીની સવારે આવત અને સ્કૂલ ૧૯ મીએ ઊઘડી.
દુર્ગાશંકર : ઠીક, પણ ત્યારે તમે દવા ઠેઠ ૧૯ મીએ કેમ લીધી ?
રમણલાલ : ૧૮મીએ રેલ્વે ડૉક્ટરને નીકળવાનો વારો