પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


સર્ટિફિકેટ મંગાવવાની ચે વિરુદ્ધ હતો. કોઠી ધોયે કાદવ નીકળે, આ બધા કાગળો ફાઇલ કરી દો ને રજા મંજૂર કરો.

રમણલાલ : તમારે મારી વાત માનવી નથી, મને ખોટો ઠરાવવો છે અને છતાં મને જગા ઉપર રાખવો છે. એ રીતે મારે નથી રહેવું. મારે વેકેશનનો પગાર પણ નથી જોઈતો.

રમણલાલ રાજીનામું આપી ચાલ્યા ગયો.

સાંજે તેની જૂની નોકરીનો મિત્રો મળવા આવ્યા અને તેમણે રાજીનામાની અફવાની વાત કરી. રમણલાલે બધી હકીકત કહી સંભળાવી. મિત્રએ કહ્યું કે તે તો પહેલેથી જ જાણતા હતા કે અસહકારનું ધતિંગ ચાલવાનું નથી, તેમાં બધા લુચ્ચૂ જ ભેગા થયા છે. વળી તેમણે ઘણી જ ખાનગી રીતે કહ્યું કે દુર્ગાશંકરે કેસમાં કાંઇ ગોટાળો કરેલો તે બાબત તેના પર કામ ચાલવાનું હતું માટે તે પ્રેક્ટિસ છોડીને અસહકારી થયો. મગનલાલ અસહકારના પૈસા ઉપર વેપાર ચલાવતો હતો, અને છોટાલાલ બદમાશ હતો. રમણલાલે દલીલથી અને દઢતાથી બતાવ્યું કે આ દરેક જૂઠું છે. એટલું જ નહિ પણ અશકય અને અસંભવિત છે. પણ તે આ અને આથી બીજી ગમે તેવી અને ગમે તેટલી વાતો અસહકારીઓની વિરુદ્ધ માનવા તૈયાર હતા પણ રમણલાલને ટૂંટિયું થયું હતું એ વાત લેશ પણ માનવાને તૈયાર નહોતા તે તેમનાં મોં પર સ્પષ્ટ જણાતું હતું. આથી ગામમાં અનેક ગપ્પાં ચાલ્યાં અને બે દિવસમાં ગામનાં છોકરાં પણ વાત કરવા લાગ્યાં કે માસ્તરે પગારની ચેારી કરી !

છેવટે કાયર થઈ ને માસ્તર પોતાના ભાઈની મદદથી મહેરાનપુરના વેપારીઓ સાથે રહ્યા. તેના ભાઈએ ઘરને માટે

૧૬