પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જમનાનું પૂર


વેગથી, કોઇ માછલાંની ઝાપટથી ધકેલાઈ અનેક પડિયા જમનાના પ્રવાહ ઉપર જઈ તરતા હતા. કોઇ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઇ મોટા, ક્યાંક ભેગા, ક્યાંક છુટાછવાયા અનેક દીપોથી ધેલી કાલિન્દી આજે મેધકલુષિત સ્વર્ગગંગાને જાણે હસતી હતી.

ત્યાં પણે દૂર એ મોટો દીવો પ્રવાહ મધ્યે થઈ શેનો ઓલાચો ? પાછો બીજો એવો જ દીવો થઇ ઓલવાયો !

એ જગાએ જમનાનો ઘાટ કાચરની પેઠે અંદર પેસી ઠેઠ જમનાના મુખ્ય પ્રવાહ સુધી પહેોંચેલો હતો. અને ત્યાં તે બેઠી બેઠી પ્રવાહ મધ્યે પોતાના દીવા તરતા મૂકવાનો પ્રયત્ન કરતી હતી. તેના બે પ્રયત્ન નિષ્ફળ ગયા. તેણે ત્રીજો આદર્યો. એક લાંબી પાતળી લાકડીને છેડે તેણે દોરી લટકાવી ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી ઠેઠ પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લાકડી નમાવી. તેનો દોતો એ દીવે જ બાળી લાકડી ઉપાડી લીધી. આ વખતે દીવો! બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડ્યો.

તે સમયે આરતી થતી હતી, કાલિન્દીના ધમધમતા પૂર ઉપર તરવરતા દીવા મેધલી રાતમાં આગિયા જેવા દેખાતા હતા. સાત વાટવાળી આરતી ઉતારાતી હતી તે જાણે ફેણે ફેણે મણિવાળો કાલીય નાગ આ સુંદર દૃશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતું હતું. સર્વ સ્ત્રીઓ આ અદ્ભુત દૃશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઇ આત્મભાન ભૂલી સ્તબ્ધ ઊભી હતી.

૧૯