પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


“હું તમને શું કહું? જગતમાં રૂપનો દેવ ગણાય છે તેવો કોઇ કદરૂપાપણાનો દેવ છે?"

ભિડે સંસ્કૃત અને વેદાન્ત બન્નેની મશ્કરી કરતા બોલ્યાઃ "રૂપનો દેવ કામદેવ અને કદરૂપાપણાનો દેવ નિષ્કામદેવ!"

મેં આગળ ચલાવ્યું: “એના જેવી કૂબડી સ્ત્રી મેં ક્યાંઈ જોઈ નથી. તેના હોઠ અતિશય જાડા હતા અને બહાર નીકળેલા દાંતથી તેની જાડાઈ પણ વિષમ થઇ ગઇ હતી. તેનું કપાળ ટૂંકું હતું અને આંખો ચકળવકળ થયાં કરતી. તે વચ્ચેથી જાડી માથે પગે પાતળી રમવાની મોઇ જેવી દેખાતી હતી. તેના ગાલ પર એક મોટો મસો હતો અને તેના પર તમારા નિષ્કામદેવે પોતાના વિજયધ્વજ જેવો એકમોટો સફેદ વાળ રોપ્યો હતો. ”

મી. ભિડે : “ ત્યારે એ બિચારે બીજી કરી તેમાં નવાઈ શી ?"

મી. સેંધા: “ બાઈ હરિએ દયા લાવી પોતાની શોક્યને નોતરી એ બાખત પહેલાં મને અસંભવિત લાગતી હતી પણ હવે મનાય છે. આટલી કદરૂપી સ્ત્રીની ઈર્ષ્યા કરવાની જરૂર જ ન હોય. ”

મેં કહ્યું: “ હજી વાત સંભવિત અસંભવિત કહેવાનો વખત આવ્યો નથી. હજી વાત તો અધૂરી છે."

મી. સેંધાઃ “ હવે જાણી તમારી વાત. અમે આવા કૈંક કેસો કર્યાં છે. કેસ ઘણોજ સહેલો છે. આટલા પુરાવા ઉપર પણ નં. ૧ ને ગુનેગાર કરાવી શકાય. અને નં ૨ને સાક્ષી કરે તો તો તદ્દન સાબીત."

મેં કહ્યું: "પણ ડૉક્ટરના રિપોર્ટમાં મરનાર પોતે કહે છે કે નવીએ માર્યો તેનું શું ?"

૨૮