પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નિવેદન

હીંં આ બીજી આવૃત્તિને અંગે આભારપ્રદર્શનથી વિશેષ મારે કરવાનું રહેતું નથી. સૌથી પ્રથમ આભાર મારે વાંચનાર વર્ગનો માનવાનો છે જેમણે થોડા જ સમયમાં આ વાતોની કદર કરી.

આ આવૃત્તિમાં એક વિશેષ અંગ ઉમેરાયું છે-ઉપોપદ્‌ઘાત. તેને માટે હું શ્રીયુત રસિકલાલ પરીખનો આભારી છું. તેમણે ટૂંકી વાતોની સામાન્ય રસમીમાંસા કરીને અને આ વાતોની વિવેચના કરીને પુસ્તકને ઘણું મહત્ત્વ અર્પ્યુંં છે. તેમની વિવેચના કેવળ સ્વતંત્ર છે, તેની સાથે હું સાથે સંમત છું કે અસંમત છું એ પ્રશ્ન જ અસ્થાને છે, પણ તે સિવાય તેમણે મારે વિશે જે કેટલુંક લખ્યું છે તેનો પ્રતીકાર કરવાની સ્વાભાવિક ઇચ્છા થઈ આવે છે; પણ લખવાનું નિમન્ત્રણ આપ્યા પછી મને એ હક રહેતો નથી, અને તેમણે જે કહ્યું છે તે એટલું સારી રીતે કહ્યું છે કે તેને ક્યાંઈથી ખંડિત કરી શકાય એમ નથી.

ત્રીજું: મારા મિત્ર શ્રી રવિશંકર રાવળનો આભાર માનવો જોઇએ જેમણે છેલ્લી વાર્તાનાં ખેમી-ધનિયાને આલેખી આ આવૃત્તિ સચિત્ર કરી છે.

રામનારાયણ વિ૦ પાઠક