પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ


જ વિશ્વાસનું કામ સોંપે છે તેથી મારે આફિસમાં બહુ વહેલાં જવું પડે છે, અને મોડાં છૂટવાનું થાય છે, કોઇ વાર ઘેર જ જઈ શકાતું નથી !

આની એક પેટાવ્યવસ્થા જણાવી દઉં. સતીને સતીધર્મનું એટલું બધું કામકાજ રહે છે કે રસોઈ હંમેશાં કાચી પાકી થાય જ. તેથી મને જરા સંગ્રહણી જેવું દરદ થઇ ગયું છે. માટે મારે સ્વતંત્ર રીતે જમવાની વ્યવસ્થાની જરૂર હતી. આ મહારાજ અહીં સારી મિઠાઈ અને રસોઈ પૂરી પાડે છે, તમે બધા વખાણી વખાણીને ખાઓ છો! પણ તમે જાણતા નંહો હો કે એ સંસ્થા મને આભારી છે. સવારમાં મગ ખાવાની વ્યવસ્થાથી સતીધર્મને બાધ આવતો નથી.

ત્રીજો નિયમ એ કે મિત્રો ન કરવા. કેમ, તમને એમ લાગે છે કે મારી પત્નીને જોઈ જાઓ એ અદેખાઈથી મિત્રો નથી કરતો! મારી પત્નીને કોઇ જુએ જ નહિ-ખાસ કરીને તેને ચૂલા આગળ સતીત્વ ચડ્યું હતું તે દિવસથી–અને જૂએ તોપણ રેલવેના ભયસૂચક ફાનસ જેવા, મોટા, આખા કપાળને રોકીને પડેલા, લાલ ચાંલ્લા સિવાય બીજું કાંઇ દેખાય જ નહિ ! પણ મિત્રોથી અમારા પરસ્પર ધર્મોમાં અગવડ પડે છે અને મિત્રો માટે સ્થિતિ કફોડી થઇ જાય છે, માટે મિત્રો ન કરવા.

અલબત, તમને બધાને મૈત્રીદ્વારા વાતો કરીને લખવાના કામમાંથી થાક ખાવાનો વખત મળે છે, પણ મને સતીએ જે સંગ્રહણીનો રોગ આપેલો છે તે એ જ કામ કરે છે. તેનાથી થાક ઊતરે છે અને મિત્ર થતા નથી. તેમ

છતાં રખેને કોઈ મિત્ર થઈ જાય એવી બીકથી બધો વખત લખવામાં જ ગાળું છું.

૫૭