પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
જગજીવનનું ધ્યેય


“એને હમણાં જ એપેન્ડિસાઇટીસનું આપરેશન કરાવ્યું. ડૉક્ટર કહે છે કોઈ સારી જગાએ હવાફેર કરવા મોકલવાની જરૂર છે.”

“એમ ? ત્યારે મહાદેવ, બાલાસોર જગજીવન શાહને ત્યાં જાય તો કેમ?” વનરાવનદાસ સામે જોઈને : “સરસ જગા છે. જિન ગામથી દૂર છે, હવાપાણી સારાં છે.”

“જી હા બાપુ, ત્યાં મારા ગામના એક ઝવેરી પણ રહે છે. અનુકૂળ પડશે.” એટલામાં સરસ્વતી તદ્દન પાસે ઊભી હતી તેની સામે જોઈ કહ્યું: “મેાટી થઇ ગઇ ! કેમ હવે શું કરવું છે? કામ કરવું છે કે પરણવું છે? પરણવાનું મન થાય તો કહેવું હોં ! શરમાવું નહિ.”

“મારે તો કામ કરવું છે.”

“એમ ? તો બહુ સારું” કહેતાં મહાત્માજી રાજી થઈ ગયા ! થોડીવારે ટ્રેન ઊપડી ને મહાદેવભાઇએ ચાલતી ટ્રેને તે દિવસનો કોણ જાણે કેટલામોય કાગળ જગજીવન શાહને લખ્યો ને બીજે સ્ટેશને ગાડી ઊભી રહેતાં તરત કોઈ મળવા આવેલા માણસ મારફત એ જ ટ્રેનના પોસ્ટના ડાબામાં નંખાવ્યો. ત્રણેક દિવસે જગજીવને વનરાવનદાસને કાગળ લખી સરસ્વતીને માટે સગવડ થઈ શકશે એમ જણાવ્યું અને ત્રણેક દિવસે સરસ્વતી બાલાસોર જિનમાં જઈ પહોંચી.

અત્યારે જિન ચાલવાની ઋતુ નહોતી એટલે બધુ શાન્ત હતું. જગજીવનના ઘરમાં પણ માણસો ઘણાં એાછાં હતાં. જગજીવન, માજી, એક રસોયો, એક ઘરચાકર, અને એક પગી: એટલાં જ માણસો.

જગજીવનની ઉંમર નાની હતી પણ તેના પ્રમાણમાં તેણે સારી આબરૂ મેળવી હતી. તેઓ મૂળ કાઠિવાડનાં, તેના પિતા અહીં આટલે દૂર દક્ષિણમાં જિન કાઢી થોડે વરસે ગુજરી ગયા.