પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
જગજીવનનું ધ્યેય

એવી સામાન્ય ફરિયાદ કરી. જગજીવને પણ સરસ્વતીના પિતા ક્યાં રહે છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, વગેરે અનેક વાતો કરી. અનેક વિષયો ઉપર ફરતાં ફરતાં ત્યાં કેવી રીતે પીંજાય છે એ વાત નીકળી. સરસ્વતીએ, તેના પિતાએ એક નવી પીંજણી શોધી કાઢી છે એમ જણાવ્યું. તે ઉપરથી વળી આગળ વાત ચાલતાં જગજીવને તેનાથી કામ કેવું થાય છે, મહેનત કેટલીક પડે છે, અને સરસ્વતી પોતે પીંજી શકે છે કે નહિ એમ પૂછ્યું. ત્યારે માજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું : “એ બિચારી બે દિવસ આરામ કરવા આવી છે એને ય તારે પીંજવા બેસારી દેવી છે? બે દી તો થોભ્ય ! લે, જોઈ આની વાત !”

“પણ તમે કેમ જાણ્યું કે હું એમને પીંજવા બેસારી દઈશ. હું તો એમને પૂરો આરામ આપીશ, પણ એ આવ્યાં છે તો હું તેમની પાસેથી પીંજવાનું શીખી લઈશ. આપણો માણસ એ તરફથી આવે છે તે એક પીંજણ લેતો આવશે. કેમ, સરસ્વતી બહેન ?”

એમ અનેક વાતો ચાલતાં જમવાનું પૂરું થયું. બપોરે આરામ કરી રહ્યા પછી વળી માજીએ સરસ્વતી સાથે વાતો કરી અને ‘મારો જગુ પરણતો નથી’ એ ફરિયાદ ઝાઝીવાર એમના પેટમાં ટકી શકી નહિ. સરસ્વતીને આ બધાથી જગજીવન માટે માન થયું, અને માજીને માટે પ્રેમ થયો.

બીજે જ દિવસે શહેરમાં રહેતા ઝવેરી રતિલાલને ત્યાંથી ચિઠ્ઠી આવી કે વનરાવનદાસનો કાગળ છે અને અમે બપોર પછી મળવા આવશું. બપોરે રતિલાલ અને તેની પત્ની ઊજમ નાના હેમુને લઈને આવ્યાં. જોતાં વેંત જ આ જોડું સરસ્વતીને ઘણું સુંદર લાગ્યું. હજી તો બધાં બેઠાં એટલામાં જ માજીએ ઠપકો આપ્યો કે કેમ, આવતાં નથી ? ઊજમે કહ્યુ કે હું તો હમણાં બહુ બહાર નીકળતી નથી. જૂની ઢબનાં માજીએ એ મંડળીમાં જ પૂછ્યું, “કેટલામો મહિનો જાય છે!”