પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
દ્વિરેફની વાતો

સરસ્વતીએ તેને માજીને ત્યાં પ્રથમ ખબર આપી આવવા કહેતાં તેણે જણાવ્યું કે માણસની જરૂર હતી એટલે તે પોતે માજી પાસે જઈ આવ્યો છે અને માજી આજની રાત ઇસ્પિતાલમાં રહેશે. ઘરમાં આવી જેવું તેવું જમી તે સૂવા સૂતો ત્યાં હેમુ ફરી રડવા લાગ્યો ને રતિલાલે અને સરસ્વતીએ બન્નેએ એને કેટલું ય સમજાવ્યો, ને સવારે બા આવશે એમ કહ્યું, ત્યારે માંડ તે સરસ્વતી સાથે સૂઈ ગયો, સવારે સરસ્વતીએ વહેલાં ઊઠી નાહી લઈ ચા પાણી તૈયાર કર્યા ત્યાં હેમુ ઊઠ્યો. પણ તેનું ધ્યાન બીજી બાજુ દોરવાયું. સરસ્વતીનાં પોતાનાં કપડાં નહોતાં એટલે તેને ઊજમનાં કપડાં પહેરવાં પડ્યાં હતાં. હેમુ એ જોઈ એ સંબધી વાતે ચડી ગયો. બાનાં કપડાં કેમ પહેર્યા, તમારાથી પહેરાય, તમને બાનાં કપડાં થાય, બાએ હા કહી છે, એમ એક પછી એક પ્રશ્નપરંપરામાં તે ચઢી ગયો. બાનાં કપડાં પહેરેલી સરસ્વતીથી અને બાની વાતથી તેને સંતોષ થઈ ગયો, પણ બપેારના વળી કંજિયો કર્યો. સૂતી વખતે તો ખરેખર આડો લીધો ને સરસ્વતીને અને રતિલાલને તેની પાસે ખડે પગે ઊભાં રહેવું પડ્યું.

ત્રીજે દિવસે તેને ઊજમ આગળ લઈ ગયા. તેને કસુવાવડ થઈ ગઈ હતી. તેને થાડા દિવસો દવાખાનામાં રહેવું પડ્યું એટલા દિવસ હેમુ હંમેશ મળવા જતો પણ રાતે કે દિવસે, વખતે કવખતે ઘણીવાર બન્નેને પજવતો. અગિયાર દિવસે ઊજમ પાછી આવી. સરસ્વતીએ જીનમાં પાછાં જવા કહ્યું, પણ ઊજમે એને બે દિવસ ખાસ રોકી. તેને સરસ્વતી થાકી ગયેલ દેખાઈ એટલે આરામ લઈ જવા કહ્યું. એ દિવસે તે જીનમાં ગઈ ત્યારે માજીને પણ તે થાકી ગયેલી દેખાઈ.

સરસ્વતી પાછી આવ્યા પછી બરાબર ખાતી નથી એમ માજીને લાગ્યું. તેણે કારણમાં જણાવ્યું કે પોતાને ખોટી ભૂખ લાગે છે અને તેથી માજી અને જગુભાઈ જમી રહ્યા પછી તેણે જમવાનું રાખ્યું. છતાં તેની તબિયત સુધરતી જણાઈ નહિ. જગુભાઈએ દાક્તર બોલાવવા