પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
જગજીવનનું ધ્યેય.


રહેતો. છોકરાનું વજન વધ્યું તેની ખુશાલી તેણે સરસ્વતીના પત્રમાં જણાવી. પણ હવે સરસ્વતીને પોતાની સ્થિતિની ચિંતા થવા લાગી હતી. આવા બાળક સાથે ક્યાં રહેવું, કેવી રીતે જિંદગી કાઢવી, એ પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો હતો. આશ્રમમાં રાખે પણ શું મોઢું લઈને રહેવું ? અનંત નિરાધારીવાળું ભવિષ્ય તેને ચારે બાજુ ઘેરીને ભીંસવા લાગ્યું. પણ એટલામાં સરસ્વતી અને છોકરો બન્ને માંદાં પડ્યાં. જગજીવન દોડી આવ્યો. તેણે દાક્તરોની દવા કરાવવામાં કશી કમીના રાખી નહિ, પણ છોકરો ગુજરી ગયો અને તે પોતે પણ ઘણી જ નંખાઈ ગઈ. જગજીવને તેને બાલાસોર લઈ જવાનું નક્કી કર્યું. જવા પહેલાં દાક્તર પાસે તપાસ કરાવી. દાક્તરે કહ્યું કે તેને દોઢ બે માસ તદ્દન આરામ આપવો જોઈએ.

જગજીવને સરસ્વતીને બાલાસોર આણી મહાત્માજીને બધી જ ખબર આપી. મહાત્માજીએ પણ તબિયત સુધરતાં સુધી ત્યાં રહેવાની હા પાડી.

સરસ્વતીની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. અત્યારે ફરી જિનની મોસમ બંધ થઈ હતી. સરસ્વતીનું શરીર સુધરતાં હવે જગજીવને તેને મોટરમાં ફરવા લઈ જવાનું રાખ્યું. સરસ્વતીનું મન પણ આ આખા પ્રકરણમાંથી ધીમે ધીમે મુક્ત થઈ સ્વાભાવિક ખુશાલીમાં આવતું હતું. અને હવે જગજીવનને સર્વ રીતે નૈતિક વિજય મળ્યો હતો એટલે તે ત્રાહિતની હાજરી વિના સરસ્વતી સાથે ફરતો.

એક વખત ફરતાં ફરતાં મહાત્માજી વિશે વાત નીકળી. સરસ્વતીએ કહ્યું કે મોટા મોટા પણ તેમની પાસે નમી પડે છે, મનની વાત તેમની પાસે ગુપ્ત રહી શકતી નથી. જગજીવને કહ્યું કે “આપણે મહાત્માને મળવા ગયાં’તાં ત્યારે મારે પણ એમ જ થયું હતું.”