“તમારે શી વાત થઈ હતી ? એ તો મેં તમને પૂછ્યું જ નથી.”
“એમને પહેલાં તો મારા પર જ શક હતો. એટલે મને તરત જ પૂછ્યું, ‘તમે એકાન્તમાં મળતા ?’ મેં કહ્યું, ‘હા.’ ‘ત્યારે તમને તેના તરફ આકર્ષણ ન થતું? મનમાં થનગનાટ ન થતો?’ હું ના ન પાડી શક્યો.”
“તે તમને એમ થતું, એમ ?”
“હા.”
“શું કહો છો ? મને તો એમ કે તમારા જેવા ધ્યેયના આગ્રહીને એમ કદી થતું જ નહિ હોય. સાધારણ માણસને એમ થતું હશે, અને સાધારણ માણસ તમારા તરફ પ્રેમ કરવા વિચાર કરે તો પણ પાપમાં પડે એમ હું માનતી ! અને તમે કોઈ ત્રાહિતને બોલાવતા તે મારી બુદ્ધિના રક્ષણને માટે એમ હું માનતી!”
“ત્રાહિતની તો મને જરૂર હતી.”
પછી વાતો અનેક પ્રકારની થઈ, પણ મનોવિકારની આ કબૂલાતથી બન્નેનું અંતર કંઈક ઓછું થતું ગયું. તે એટલે સુધી કે મહાત્માજી પાસે જવાનો દિવસ આવ્યો ત્યારે જગજીવન જરા પ્રગલ્ભ થઈ તેને વાત કરી શક્યો.
“તમારી એકંદર તબિયત તો અહીં સારી થઈ ગણાય, નહિ ?”
“હા.”
“આશ્રમ કરતાં અને તમારા પિતાના ગામ કરતાં પણ અહીંનાં હવાપાણી તમને વધારે સારાં નથી લાગતાં ?”
“અલબત, લાગે છે જ.”
“માજી સાથે પણ તમારે સારું ફાવતું હતું, નહિ ?”
“હાસ્તો, માજી તો મારા પર કેટલું વહાલ રાખે છે!”
“ત્યારે તમે અહીં જ રહી જાઓ તો શું ખોટું ?”