પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
ઉત્તર માર્ગનો લોપ


પ્રવચન કરતાં પૌરાણિકે કહ્યું કે આજનું કથાનક ઘણું જ ટૂંકું છે, અને તેણે શ્રોતા તરફ કોરી બાજુ દેખાતી થોકડી હાથમાં લીધી. તે ઘણી જ પાતળી, ભાગ્યે ચારેક પાનાની હશે. તે જોઈ લોકો શાંત થઈ ગયા. પૌરાણિકે પોતાની કથા શરૂ કરી.

“એક વાર ભગવતી કામાખ્યાદેવીને પોતાની જયા અને વિજયા સખીઓ જોડે હાસ્યવિનોદ ચાલતો હતો. ત્યાં ઓચિંતાં દેવીએ હાથ ઊંચો કરી, સ્તંભનમુદ્રાથી વાતચીત બંધ કરી અને ભગવતી ભ્રમરીદેવીનું સ્મરણુ કર્યું. ભગવતી ભ્રમરીએ અશરીર હુંકારથી પોતાનું આગમન જણાવ્યું એટલે દેવી બોલ્યાં : “વિન્ધ્યાવટીમાં રહેતો મારો સાધક કાલે સવારે વિન્ધ્યવાસિની દેવીનાં દર્શન કરવા જાય ત્યારે નર્મદાની ભેખડમાંથી ઊડતી ભમરીઓના દંશથી તેના પ્રાણ લેજો.” ભગવતી ભ્રમરી ફરી તેવો જ હુંકાર કરી ત્યાંથી ચાલ્યાં ગયાં, ત્યારે જયા અને વિજયાએ પૂછ્યું: “દેવી, વાંધો ન હોય તો સાધકનો દોષ અમને કહો.” ત્યારે દેવીએ કહ્યું: “આજે સાધકે વાતચીતને પ્રસંગે સાધિકાને કહ્યું કે આજની પુરાણકથામાં કહ્યા પ્રમાણે મને ડાબે બાહુએ તલ છે. સાધિકાએ કહ્યું કે મને પણ આજના વ્યાખ્યાન પ્રમાણે નાભિની વામ બાજુ રાતો તલ છે. સાધકે કહ્યું, બતાવો જોઈએ. સાધિકાએ બતાવ્યો ત્યારે સાધકે ત્યાં અંગુલી વડે સકામ સ્પર્શ કર્યો.” જયાએ ફરી પૂછ્યું: “ભગવતી, આપે પહેલાં કહ્યું હતું તે જો આ જ સાધક વિશે હોય તો આજે તેની તપશ્ચર્યાની છેલ્લી રાત હોવી જોઈએ. સાત વરસ શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યા પછી આજે છેલ્લી રાતે તેનું સ્ખલન કેમ થયું?”

પૌરાણિકના આ શબ્દો સાંભળતાં આખો શ્રોતાવર્ગ સ્તબ્ધ થઈ ગયો. હરકાન્ત અને ચન્દ્રલેખાએ એક બીજા તરફ સાવધાનતાની ગંભીર દષ્ટિ કરી. પૌરાણિકે કથા આગળ ચલાવી.

“આવો જ બનાવ ત્રેતાયુગમાં એક વાર બન્યો ત્યારે