પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
દ્વિરેફની વાતો


કાત્યાયની દેવીએ એક દૃષ્ટાંતથી આ વાત સમજાવી હતી. શંખપુરના રાજરાજેશ્વર ઇંદ્રસેને શક્તિનું એક શિખરબંધ મંદિર કરાવ્યું હતું. તેના ઉપર તેને સુવર્ણનો કલશ અને આમલક મૂકવું હતું. તેની રાજધાનીથી સાતેક ગાઉ પર એક વિશ્વકર્મા જેવો શિલ્પી બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસેથી નમૂના માટે માટીનો કલશ અને આમલક લઈ આવવા તેણે એક વિદ્યાહીન બ્રાહ્મણને સુવર્ણ આપવા! કરી લેવા મોકલ્યો. એ શિલ્પી, બ્રાહ્મણ સિવાય કોઈને સ્પર્શ કરતો નહિ એટલે કોઈ શૂદ્રને નહિ મોકલતાં બ્રાહ્મણને મોકલ્યો. શિલ્પીએ એક મોટા પાટલા પર કચરાનો કલશ અને આમલક કરી પાટલો તેના માથા પર ચડાવ્યો અને ખાસ કહ્યું કે ભાર તો છે પણ ધીમે ચાલજે અને ઉતારતી વખતે પાટલો વાંકો ન થઈ જાય એ રીતે ધીમે રહીને ઉતારજે. બ્રાહ્મણે ધીરજ રાખીને આખો લાંબો પંથ ભારને સાચવીને કાપ્યો, પણ મંદિર પાસે આવતાં ઉતારવાની જગા હવે પાસે આવી જોઈને, અને સુવર્ણ મળશે એ વિચારથી, તે અધીરો થઈ ગયો, ને હાશ કરીને તેણે પાટલો પછડાતો મૂક્યો. ઉપરની માટીની આકૃતિ ભાંગી ગઈ, મુહૂર્ત ચાલ્યું ગયું, અને રાજાએ બ્રાહ્મણને આપવા ઠરાવેલ સુવર્ણદ્રવ્ય આપ્યું નહિ. એ પ્રમાણે જે સાધક પોતાના વ્રતને ભારરૂપ ગણે છે અને તેની અવધિની અધીરો થઈ રાહ જુએ છે, અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વિહ્‌વલ બને છે, તે અવધિ નજીક દેખતાં ધૈર્ય ખોઈ બેસે છે અને પતિત થાય છે. આ સાધકનું પણ એમ થયેલ છે.”

પૌરાણિકે અહીં કથા પૂરી કરી પાનાં સંકેલી પોથીમાં મૂક્યાં આખો શ્રોતાવર્ગ અને સાધકસાધિકા બન્ને અત્યંત ગંભીર ચહેરે ઊભાં થયાં. ધીમે ધીમે ટોળું વીખરાયું. પૌરાણિક પોતાની પોથી બાંધી લઈ છેવટની માર્દવભરી નજર સાધકસાધિકા તરફ નાંખી ચાલતો થયો. અને ફરી ચાચરમાં એકાંત થયું.

હરકાન્ત ચાચરને ઓટલે પગ લટકાવી બેથો અને ચન્દ્રલેખા એક આસન પર પલાંઠી વાળી તેની બાજુએ તેનાથી દૂર તેના