પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
દ્વિરેફની વાતો.

બેટ પર બન્ને આવી ચઢ્યાં હોય એવું તેમને લાગ્યું. અને થોડીવાર નિઃશબ્દ બેસી રહ્યાં. થોડીવારે ચન્દ્રલેખાએ, ઊભી થઈ, પાણીનો લોટો ભરી આવી હરકાન્તને પાઈ પોતે પી હરકાન્તને પેલાં શાસનો વાંચવા કહ્યું. એટલામાં આખા દેવીગ્રામની સ્ત્રીઓ ઝૂમખાં વળી વળીને એક પછી એક મળવા આવી અને સર્વેએ કહ્યું કે ‘અમે કશું જોયું નથી. અમારા ઘરના પુરુષો પણ કહે છે કે અમે કશું જોયું નથી, તમારા વિરુદ્ધ એ પૌરાણિક સિવાય કશો પુરાવો નથી. તમે તમારે કહેજો કે તમે બંને નિર્દોષ છો’. નવાઈની વાત તો એ છે કે એટલી સ્ત્રીઓમાંથી કોઈએ સાચું શું બન્યું હતું તે વિષે કશું જ ચંદ્રલેખાને પૂછ્યું નહિ! સર્વને ભય હતો કે એમ પૂછવા જતાં ચંદ્રલેખા વ્રતભંગની વાત કરે, તો પછી તેમના વિરુદ્ધ પુરાવો આપ્યા વિના છૂટકો ન થાય ! માતા કોપે !

રાત પડી એટલે બધાં ગયાં. બધે અંધારું હતું. ધર્મશાળાના ખુલ્લા ઓટલા પર હરકાન્ત બેઠો હતો. ત્યાં ચંદ્રલેખા આવી અને સૌથી પહેલાં તેણે ધર્મશાળામાં કે આસપાસ કોઈ નથી તેની ખાત્રી કરી આવવા હરકાંતને કહ્યું. હરકાન્ત જોઈ આવીને બેઠો એટલે ચંદ્રલેખા, જીવનમાં સૌથી પહેલાં તેને ખભો અડાડીને બેઠી. સૌથી પહેલાં એ જ બોલી.

“તમે બધું વાંચી લીધું ? શા નિશ્ચય ઉપર આવ્યા ?”

“હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે દોષનો સ્વીકાર કરી હું તમારા જીવનમાંથી ખસી જાઉં !”

“તમારે એ જ કહેવાનું છે? ”

“અત્યારે મારે એ જ કહેવાનું છે કે તમારા જીવનમાં આવી વિક્ષેપ કરવા માટે મને ક્ષમા આપો.”

“હરકાન્ત ! આ શું બોલો છો ? આવી રીતે મારો હવે ત્યાગ કરવો છે ? કાલે મૃત્યુના દ્વારમાં મેં તમારો શબ્દ સ્વીકાર્યો. અને