પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ઉત્તર માર્ગનો લોપ


અત્યારે પણ મૃત્યુ સુધી હું તમારી સાથે રહેવા માગુ છું. નિર્દોષ કહેવાથી એમ થતું હોય તો નિર્દોષ કહો, દોષિત કહેવાથી એમ થતું હોય તો એમ કહો. માતાજી ક્ષમા કરશે.”

“લેખા, માતાજીનો પ્રશ્ન નથી. આ શાસનો એ જ બધી બાબતમાં નિર્ણાયક છે. આપણે એ ઉપરથી નિર્ણય કરવાનો છે.”

અંધારામાં હરકાન્તના મુખના ભાવ સમજવાનો પ્રયત્ન કરતાં ચંદ્રલેખાએ કહ્યું: “મને સમજાવો તમે શાસનો વાંચ્યાં. તેમાં શું છે ? આપણે કહીએ કે આપણે સદોષ છીએ તો પછી આપણને રાખીને શું કરે?”

“એમ કરવામાં તો કશો જ ફાયદો નથી. જો બંને સદોષ હોય તો બંનેએ દેવીગ્રામમાં ગામને જુદે જુદે છેડે જીવનભર રહેવું, કદી મળવું નહિ, મળે તો દેહાંત ! દેવીગ્રામ બહાર પતિત સાધક જઈ સકે છે પણ સાધિકા તો કદી નહિ. અને સાધક બહાર જાય ત્યારે તેના કપાળમાં ત્રિશૂળનું ચિહ્ન કરીને જ માકલે !”

“હાય હાય કાન્ત !” કહેતાં અજાણતાં જ ચંદ્રલેખાએ હરકાન્તને કપાળે ચુંબન કર્યું, “ત્યારે કહો કે બંને નિર્દોષ છીએ. પુરાવો તો કશો છે જ નહિ. અને પછી કયાંક ચાલ્યાં જઈએ.”

“મને પણ એ જ માર્ગનો પહેલાં વિચાર આવ્યો હતો, પણ એ શક્ય નથી. આપણે નિર્દોષ હોઈએ, તો આપણે દેવીની પૂજા જ કરવી જોઈએ. અત્યારે દીવા હોલાઈ ગયો છે એટલે આપણે નિર્દોષ ઠરીએ કે તરત દીવો પ્રગટાવવાની વિધિ કરીને આપણે ફરી સાત વરસ તપશ્ચર્યાં કરવી જોઈએ !”

“સાતવરસ !” જાણે ભવિષ્યનાં એ સાતે વરસના ઠંડા ઉચ્છ્વાસથી ચંદ્રલેખા થથરી ગઈ, ઠરી ગઈ ! તે અવાક્ થઈ કેટલીયે વાર બેસી રહી ! હરકાન્તે કહ્યું: “આપણે બંનેએ જીવતાં રહેવાનો એ એક જ માર્ગ ! એ જ દીવો, એ જ પૂજા, એ જ વ્યાખ્યાનો !”