પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
११

એટલું જ કહીશ કે આ વાર્તા મેં શ્રીમતી શારદા બહેનને વંચાવી હતી અને તેમણે પસંદ કર્યાં પછી મેં તેને પ્રસિદ્ધ કરી છે. અલબત તેથી મારી જવાબદારી ઓછી થતી નથી. માત્ર સુરુચિની વિચારણામાં એમનું દૃષ્ટિબિન્દુ રજૂ કરવા આટલું લખું છું.

‘ઇન્દુ’ વિશે થોડા ખુલાસા કરવા યોગ્ય ધારું છું. મારાં બે મિત્રો મહીપતરામ અનાથાશ્રમ જોવા ગયેલાં ત્યાં શ્રી ગટુભાઈએ તેમને એક તેમના અનુભવનો કિસ્સો કહેલો : એક સજ્જન અસહકાર યુદ્ધમાં જેલમાં ગયા, અને પછીથી તેમનાં પત્નીએ અનાથાશ્રમમાં એક અનૌરસ બાળકને જન્મ આપ્યો. છતાં એ સજ્જને ઉદાર દિલથી પત્નીનો સ્વીકાર કર્યો. આ વાત સાંભળીને મેં પૂછ્યું : “પણ બાળકનું શું થયું ?” જવાબ મળ્યો : “અલબત એ તો અનાથાશ્રમમાં રહ્યું.” સ્ત્રીને માટે આ કેટલું કરુણ અને આઘાતકારક છે એવી લાગણીમાંથી, સ્ત્રીના દૃષ્ટિબિન્દુથી આ વાર્તા લખાયેલી છે. તે પછી શ્રી ગટુભાઈ એ અનાથાશ્રમના સાચા કિસ્સાની શ્રેણીમાં આ વસ્તુ મૂકેલું છે.

પણ જેને પ્રસિદ્ધ કરતાં મને સૌથી વધારે સંકોચ થયો છે, અને તેથી જ જેને માટે ખુલાસો હું આવશ્યક માનું છું. તે વાર્તા ‘જગજીવનનું ધ્યેય’ છે. તેનું કારણ તેમાં ધ્યેયનો ઉપહાસ કર્યો છે, એવો કોઈનો આક્ષેપ આવે, કે આવું વૃત્તાન્ત કોઈ આશ્રમમાં ખરેખરું બનેલું છે એવું કોઈ અનુમાન કરે, એ નથી,—એવો બનેલો આખો બનાવ ‘ઇન્દુ’ સિવાય કોઈ વાર્તામાં નથી,—પણ પૂજ્ય મહાત્માજીને આમાં પાત્ર તરીકે મૂક્યા છે એ છે. એમ કરવામાં સિદ્ધાન્તની દૃષ્ટિએ કશું ખોટું નથી. મહાપુરુષોનાં નામો, જેમ ભાષામાં વિશેષ નામ મટી અમુક ગુણવાચક સામાન્ય નામ બની જાય છે, તેમ તેઓ પોતે વાર્તા લેખકોની સામાન્ય સામગ્રી પણ બને છે. પણ સંકોચ છે તે એ કે જેવી સૂચના સ્વાર્થાંધ માણસો વ્યવહારમાં કરે, એવી સૂચના આ વાર્તામાં મહાત્માજીના મુખમાં મૂકી છે એમ