પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

હાથ કાઢે છે એટલામાં ઘોડાને જબરી ઠોકર લાગી, ને ચોકડું એવા જોરથી ખેંચાયું કે જમાલના આગલા બે દાંત તૂટીને બહાર નીકળી. પડ્યા ને લોહીની ધાર થઈ. તેણે તરત ચોકડું હાથમાં લઈ લીધું. ને ઝટ સામે શહેર પહોંચી જવા ઘોડો દબાવ્યો. તે સમજી ગયો કે કમાલે મને છેતર્યો. એટલે હવે શહેરમાં જઈ કમાલ પાસેથી શી રીતે પૈસા કઢાવવા તેની તદબીર રચવા લાગ્યો.

થોડા કલાકે શહેર આવ્યું. પોતાને ઘેર જઈ ઘોડાને બાંધી મોં ધોઈને તેણે કમાલને કહ્યું, “અહીં સુધી આણ્યો તેના ભાડાના ચાર દ્રામ આપ.” પેલો કહે, “આપણે ભાડું ઠરાવ્યું જ નથી.” “કોઈ ભાડા વિના તે માણસને વીસ ગાઉ લાવે ? સારો માણસ ધારીને લીધો ને હવે ફરી જાય છે?” એમ કહી બુમરાણ કરી મૂક્યું ને પછી કહે, “બાદશાહ આગળ ફરિયાદ કરીશ.” કમાલ કહે, “જા, કાલ કરતો હોય તો આજ કર. મને પણ જવાબ દેતાં આવડે છે. ચાલ તારી સાથે આવું. એમ તારાથી બીતો નથી.”

જમાલ કમાલને ખેંચતો ખેંચતો દરબારગઢ તરફ ગયો. થોડી વારે દરબારના દરવાને બહાર આવી બૂમ મારી : “કોઈ ફરિયાદી છે? કોઇ ફરિયાદી છે?” “હાંજી, હું છું.” કહેતો જમાલ બાદશાહના દિવાને આમનાં પગથિયાં ચડી બારણા આગળ ખડો થયો. દરવાન તેને અંદર લઈ ગયો.

બાદશાહ કેખુશરૂ પોતાનો દરબાર ભરીને ન્યાયાસન ઉપર બેઠો હતો. જમાલ આગળ જઈ કુરનિસ બજાવી સલામ કરી બાદશાહની સામે ઊભો રહ્યો. બાદશાહે સામું જોયું ત્યાં તો ફરિયાદીને એક આંખે કાણો દીઠો. તરત બાદશાહે કહ્યું : “જા, તારી ફરિયાદ નહિ સાંભળવામાં આવે. કાણા લોકો જુઠ્ઠા અને લુચ્ચા હોય છે.”

પેલા ફરિયાદીએ કહ્યું : “બાદશાહ સલામત, મારે જેની સામે ફરિયાદ કરવાની છે તે પણ કાણો જ છે.”