પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
દ્વિરેફની વાતો.

અત્યાર સુધી તેં એ વાતની ફરિયાદ કેમ ન કરી ? અને તને એ મફત શા માટે બેસાડે તે પણ તું બતાવી શકતો નથી.”

કમાલ કહે : “એ બધાનો ખુલાસો એક જ વાતથી થઈ જાય છે. બાદશાહ સલામત બેઘડી ધીરજથી સાંભળો તો બંદો કહેવાને તૈયાર છે. આ ફરિયાદી અમારી તરફનો મશહૂર લૂંટારો જમાલ છે. હું જાણતો હતો કે તે મુસાફરોને પોતાના ઘોડા પર મફત બેસાડી લઈ જવાનું કહી લૂંટી લે છે, એટલે મેં મારા દોસ્તનાં સારાં કપડાં માગી પહેરી લીધાં અને મને પણ એ બેસાડી લઈ જાય એ માટે ખીસામાં ખોટેખોટી નગદ નાણાંની કોથળીનો દેખાવ કર્યો. જુઓ બાદશાહ બહાદુર! એ જે નાણાંથી લોભાયો, ને જે નાણાં લૂંટવા તેણે મોંમાં ચોકડું લઈ મારા ખીસામાં હાથ નાંખ્યા અને ઠોકર ખાઈ દાંત ખોયા, તે આ રહ્યું.” એમ કહી તેણે ખીસામાંથી એક પછી એક ત્રણ કોથળીઓ ઊંધી કરી અંદરથી ઠીંકરાના ટુકડાનો નીચે ઢગલો કર્યો. એ જોતાં વેંત રાજા પોતાનું હસવું દબાવી શક્યો નહિ. તે ખડખડાટ હસી પડ્યો અને તેને હસતો જોઈ પછી આખી સભાએ હસવા માંડ્યુ. એ ઠીકરાનો ખડખડાટ અને હસવાનો ખડખડાટ ભેગો થઈ ત્યાં કેટલીય વાર ચાલ્યો ! સભા શાંત થઈ ત્યારે રાજાએ કમાલને બધી વાત કહેવાનું કહ્યું. તેણે પોતાની ગરીબીની વાત કરી. તેને શહેર જોવાનું મન થયું, તેણે આ તદબીર રચી, રસ્તામાં જમાલે ઘોડાની ચાલ બદલી કેવી રીતે ખીસામાં હાથ નાંખ્યો તે બધું જણાવ્યું.

બાદશાહને એ ઘોડાની ચાલ જોવાનું કુતૂહલ થયું. તેણે જમાલને કહ્યું કે જા, તારો ગુનો માફ છે. તું તારા ઘોડાની ચાલ બતાવ. તે ઉપરથી જમાલે ઘોડાની નવ જાતની જુદી જુદી ચાલ કરી બતાવી. આવો લૂંટનો ધંધો શા માટે કરે છે, એમ પૂછતાં તેણે કહ્યું કે બાદશાહના ઘોડેસ્વારોમાં દાખલ થવા આવેલો પણ બાદશાહ કાણા