પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

સભા છઠ્ઠી

હું ગયો કે તરત ધીરુ બહેને કહ્યું : કેમ, આજે લેતા આવ્યા છો કે નહિ ?

મેં કહ્યું : હા. ક્યાં સુધી તમારાં નકામાં મહેણાં ખમ્યા કરવાં ?

નકામાં કેમ ? જુઓને કામ આવ્યાં કે નહિ ? એટલાં મહેણાં માર્યાં ત્યારે લાવ્યા ! નહિતર હમેશ ખોટે ખોટું કહેતા કે વાર્તા મનમાં તદ્દન તૈયાર છે, લખું એટલી વાર છે. એ સાચું હોય તો ક્યારની લખી જ નહોત ! તમારે એવું તે શું કામ છે તે ન લખાય ? ધંધોપાણી તો કશો છે નહિ! કુટુંબની જંજાળ પણ રાખી નથી ! પુછી કેમ ન લખાય ?

બીજું કામ નહિ પણ વાર્તાનું કામ તો ખરું ને. તે કામને લીધે જ નહોતી લખાતી.

વાર્તાને અંગે લખવા સિવાય એવું બીજું શું કામ કરવાનું હતું ?

મારે આખી દુનિયાંનું—પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય, અર્વાચીન અને પ્રાચીન—બધું સાહિત્ય જોઇ જવું હતું !—એટલી ખાત્રી કરવા કે મારા જેવી વાર્તા આ પૂર્વે કોઈએ લખી નથી. એ હવે તમે ઉતાવળ કરી વાર્તા લખાવી એટલે એ દાવો હવે પૂરેપૂરો નહિ કરી શકું. જો કે એ વાત સાચી જ છે. આ પહેલાં આ વિષય ઉપર આવી વાર્તા, આવા દૃષ્ટિબિન્દુથી, આવા વક્તવ્યની કોઈએ લખી જ નથી.