પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
દ્વિરેફની વાતો.


પ્રમીલા : આમ વાતો કરીને તમે વસંતભાઈની વાતોને નકામું મહત્ત્વ આપો છો. તમે જ એક વાર નહોતા કહેતા, કે આપણે ત્યાં વાર્તા સંબંધી માત્ર કોઈ આકસ્મિક હકીકતની ચર્ચાથી એ વાર્તાને ખોટું મહત્ત્વ મળી જાય છે. તેવું તમે આપણી મંડળીમાં કરો છો. ભાભી! એમને વાર્તા વાંચવાનું જ કહો ને !

મેં કહ્યું : હું પણ એ જ ઈચ્છું છું. કારણ કે એ સાંભળ્યા પછી તમને ખાત્રી થશે કે એ અદ્વિતીય છે. અને આ ચર્ચાથી ઊલટું મને નુકસાન છે, એક વાર વાર્તા જોયા વિના જ એ અપૂર્વ ન હોઈ શકે એમ માની લો છો, એટલે પછી વાર્તા સાંભળ્યા પછી એ પૂર્વગ્રહને છોડી નહિ શકો. આપણે બજારમાં કોઈ ચીજ લેવા જઈએ, કોઈ દુકાનદાર અમુક ભાવ કહે, આપણે કહીએ ભાવ તો ચાર આના ઓછો છે, દુકાનદાર કહે ચાર આના ઓછે મારે એ વસ્તુ સો નંગ લેવી ! નહિતર મારો ભાવ સાચો હોય તો અહીં આવજો. ‘જભાન એક રાખજો.’ પછી દુકાનદારનો ભાવ સાચો હોય છતાં આપણે એ દુકાનેથી નહિ લઈએ. એમ કરીએ તો બીજાની આગળ ખોટા પડીએ ને! જેમ સરકાર પોતાની પ્રતિષ્ઠા ખાતર ભરેલું પગલું પાછું નથી ભરતી, તેમ દરેક માણસ કરે છે. અને ઓળખાણ પિછાન વગર માલ લેતાં પણ પ્રતિષ્ઠાને ડંખ રહે છે, તો વિવેચનમાં તો કેમ ન રહે ! કેવડી મોટ્ટી પ્રતિષ્ઠાનો સવાલ !

પ્રમીલા : વસંતભાઈ, આજે ધનુભાઈ ભાષણ કરતા નથી, એટલે એ કામ તમે લઈ લીધું લાગે છે !

ધનુભાઈ : જોયું ! કોઈ પણ વાત દાખલા દલીલથી કહીએ એટલે ભાષણ ! જાણે દલીલથી સાચું કહેવું, એ જ ગુનો !

પ્રમીલા : પણ વાર્તા કહેવાને બદલે બીજી બીજી દલીલો કરવી એ તો ગુનો ખરો ને !

ધીરુબહેન : હું પ્રમુખ તરીકે નિર્ણય આપું છું કે ચર્ચાથી