પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

વાર્તાને હાનિ થાય છે એમ વાર્તા કહેનાર માને છે. માટે ચર્ચા ન કરવી. લ્યો, હવે વાર્તા વાંચો.

મેં વાંચવી શરૂ કરી. મથાળું વાંચ્યું: ‘પરકાયાપ્રવેશ’ અને પછી વાર્તા વાંચવી શરૂ કરી.

હું નાનો હતો ત્યારથી મને કૂતરાં બહુ ગમતાં. અમારા ગામડામાં અમે કૂતરી વિયાય ત્યારથી બચોળિયાં બથાટતા ફરતા. જરા મોટા થયા ત્યારે તો કૂતરી ગાભણી થાય ત્યારથી તેની સરત રાખતા અને કઈ કૂતરીને કેટલાં બચોળિયાં થયાં, તેમાં કયાનો કૂતરી જેવો ને કયાનો કયા કૂતરા જેવો રંગ છે એ બધાની અમારા ભાઈબંધો સાથે વાતો કરતા. કૂતરી વિયાય એટલે આસપાસથી તેલનો શીરો માગી લાવતા. ત્યારથી કૂતરાં વિશે મને એક સતત જિજ્ઞાસા રહ્યા કરતી, હું કૂતરાંની બધી ચેષ્ટાનો અભ્યાસ કરતો. પણ કૂતરાં વિશે એક બે બાબતો હું જરા પણ સમજી શકતો નહિ. તે વિશે ઘણું સાહિત્ય વાંચ્યું છતાં સમજાયું નહિ. કોઈકોઈ વાર રાત આખી કૂતરાં અમુક જ અવાજથી સામસામાં ભસ્યા કરે છે. લડતાં હોતાં નથી, માત્ર ભસે છે. કોઈકોઈ વાર એકલું એક કૂતરું બેસીને ખૂબ ઊંચું મોં કરીને લાંબે રાગે અવાજ કરે છે. તે શા માટે કરે છે ? જેમ જેમ વિચાર કરતો તેમ તેમ હું મૂંઝાતો અને કોઈકોઈ વાર તો એ મૂંઝવણમાં મને રાતે ઊંઘ પણ ન આવતી.

એકવાર એ મૂંઝવણ અસહ્ય થઈ પડી. બસ પછી તો મેં એ જાણવા માટે કૂતરાનો અવતાર લેવા નિશ્ચય કર્યો અને તે માટે બ્રહ્માનું તપ કરવા માંડ્યું. એક હજાર વર્ષે બ્રહ્માજી મારી સામે પ્રગટ થયા. પદ્માસને બેઠા છે, ચાર હાથમાં ચાર વેદની પોથીઓ રહી ગઈ છે, અને ચાર મોઢેથી ચાર વેદોનો સતત ઉચ્ચાર કરી રહ્યા છે. વેદપાઠ કરતાં કરતાં મારી સામે જોઈ માત્ર આંખની ઇશારતથી શું