પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
દ્વિરેફની વાતો.


“એક તો, પાછો જ્યારે માનવ બનું—ના એમ નહિ, કૂતરો થાઉં ખરો પણ પાછો માનવ બનુ, અને—”

“કેમ, માનવ કરતાં કૂતરો સારો છે તો કૂતરો જ રહેજેને ! તારે જોઈએ તો અત્યારે છે અને ત્યાં કૂતરી કરીને મોકલું.”

“ના મહારાજ, કૂતરાંમાં તો પછી એ અત્યારે મારી સ્ત્રી છે એવી મારી શી રીતે થઈ શકે ? એમ તો નહિ. માનવ તો થાઉં જ, અને થાઉં ત્યારે પાછી આજ સ્ત્રી હોય !”

“ભલે !”

“પણ મહારાજ, કૂતરો થાઉં ને ક્યાંક બહુ દુઃખ પડે તો?”

“તેમાં મને શું પૂછે છે? કૂતરો થા તો કૂતરાનું દુઃખ ને સુખ બન્ને મળે જ !”

“તો મહારાજ, એમ કરો. મને બહુ દુઃખ પડે, તો મને માનવ થવાની ઈચ્છા થાય કે તરત હું પાછો માનવ થઈ જાઉં.”

“તારા કરતાં તો દૈત્યો તપ કરીને જે માગતા તે પણ વધારે બુદ્ધિવાળું હતું. સાંભળ ! જો કૂતરો થઈશ, તો કૂતરા પર પડતું એક પણ દુઃખ એવડું મોટું નહિ લાગે કે જેથી એ દેહ છોડી દેવાનું મન થાય. આ જો, તું માણસ છે. અત્યાર સુધી તારા પર અનેક દુઃખો પડ્યાં છે, તને કદી દેહ છોડી દેવાની ઈચ્છા થઈ છે? હા, માણસમાં આપઘાત વૃત્તિ છે. પણ પશુઓમાં તો એ પણ નથી. બીજું : તું સાચો કૂતરો થઈશ તો તને કદી પણ કૂતરો મટી કંઈ પણ બીજું થવાની ઈચ્છા થશે નહિ. એ બાબતમાં સર્વ પ્રાણીઓ અત્યારે તું છે, તેના કરતાં ડાહ્યાં હોય છે.”

“તો મહારાજ એમ કરો. મારી આંખોમાં ખૂબ આંસુ આવે એટલું દુઃખ પડે, કે તરત મને પાછો માનવ બનાવી દેજો.”

“માનવ સિવાય કોઈ પ્રાણી રડતું નથી, એટલે કે આંસુ પાડતું નથી. હા, જેમ માણસની આંખમાં કણું પડે ને પાણી નીકળે, તેમ