પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
દ્વિરેફની વાતો.


હાંફવા માંડ્યો. ત્યાં દૂર દૂર ‘તૂ તૂ’ સાંભળ્યું, ને કાળિયો ચડપ દેતો ને ઊભો થતા એ દિશામાં દાડ્યો. અત્યંત વેગથી દોડતો જતો હતો, પણ ત્યાં નાંખેલા રોટલાની પાસે કાબરાને જોઈ તે એકદમ બીનો અને દોડવાનું અટકાવવા જતાં પડી ગયો અને ‘મૂઓ પડ્યો’ એવી બીકથી ડાઉ ડાઉ કરી બોમો પાડવા લાગ્યો. કાબરો બહુ જબરો હતો. કાળિયો જ્યાં પડ્યો હતો ત્યાં જ પોતે ચત્તો થઈ પડ્યો અને કાબરાને કાલાવાલા કરવા લાગ્યો. કાબરાએ કાળિયાને સૂંધી જોયો, અને કાળિયાની સાચા દિલની તાબેદારગીરી પારખી, એ રોટલો અને કાળિયો બન્નેને છોડીને દૂર છાંયે ઠંડી જગામાં જઇને બેઠો. કાળિયો ધીમે ધીમે ઊભો થયો, બીતાં બીતાં, કાબરા સામે જોતાં જોતાં, દરેક પગલે અને નજરે ભય અને તાબેદારગીરી બતાવતાં, તેણે રોટલો મોંમાં લીધો, ને બે પગ વચ્ચે પૂંછડી ઘાલીને, પહેલાં ધીમે ધીમે, અને થોડે દૂર જઈને ઉતાવળો નાસી તે દૂર ગયો, ને ત્યાં નીરાંતે બેસી ચારે બાજુ જોતાં જોતાં, અને જરા કોઈ બીજાનો વહેમ પડતાં વચમાં વચમાં ઘૂરકતાં ઘૂરકતાં, તેણે રોટલો ખાધો. ખાઈને એ પાછો પોતાની અસલ ખાળ તરફ ગયો. ત્યાં એક નબળું, ચાલતાં ચાલતાં પાછલા પગ એકબીજાને અથડાય એવું, લંગડું, નબળાઈ ને લીધે અને બીકને લીધે, જાણે રોવાને હંમેશાં સજ્જ હોય એવું, દાંત અને પેઢાં બહાર દેખાય એવું મોઢું લઇ ને એક કૂતરું બેઠું હતું, તે ચીસ પાડતું કોરે ખસી ગયું, અને કાળિયાભાઈ પોતાની અસલ જગાએ જરા મગરૂરીથી પહોળે મોંએ અને લબડતી જીભે આસપાસ જોતા બેઠા.

કાળિયો ધીમે ધીમે જુવાન થતો જતો હતો. તેની પૂંછડી વધારે વધારે વળ ખાતી જતી હતી. તે પોતાના લત્તામાં પોતાની સ્થિતિ ઠીક ઠીક સમજી ગયો હતો. બળમાં તે માત્ર કાબરાથી નીચે હતો, એટલે કાબરાની તે પૂરેપૂરી તાબેદારી રાખતો, અને બીજે ઊંચી ડોક અને વળેલી પૂંછડીએ ફરતો. હવે તે કૂતરીઓ તરફ વધારે