પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

ધીમે ધીમે જાણે દેખાવ કરતો હોય એમ ભસતો તેની પાછળ દોડી, સૌથી પહેલો ગોળ આંટો દઈ પાછો ફરી ગયો, અને પછી પેલી કૂતરીઓ પણ તેની પાછળ પાછળ સૂંઘતી સૂંઘતી પાછી ફરી. તેની પાછળ પાછળ કાળિયો ધીમે ધીમે દોડતો ગયો. અને તેમની સાથે પૂંછડી હલાવી, તેમની ખુશામત કરી પછી ત્યાંથી છૂટો થઈ ચાલ્યો ગયો.

એક દિવસ ભટવાડાનાં કૂતરાં અને પંડ્યાવાડાનાં કૂતરાં વચ્ચે એક તુમુલ યુદ્ધ થયું, જાણે આખી જિંદગીમાં જે કાંઈ ભોગવવા જેવું હતું તે સર્વ જોખમમાં આવી પડ્યું હોય એ રીતે બન્ને પક્ષો જીવ પર આવીને લડતા હતા. લડવામાં પંડ્યાવાડાના પક્ષમાં કાબરો અને કાળિયો બે મુખ્ય હતા. લડાઈમાં છેવટે કોઈ પક્ષ જીત્યો કે હાર્યો નહિ. બન્ને પક્ષો થાકીને છેવટે પોતપોતાની હદમાં ચાલ્યા ગયા. અને પછી બહુ દૂર જઈને, ભસવા વચ્ચેનું અંતર વધારતા વધારતા છેવટે શાંત થયા.

પણ આ યુદ્ધમાં કાબરો ઘાયલ થયો અને બીજે જ દિવસે તેને પોતાની નબળાઈ દેખાઈ. તે હમેશાં એક વંડી ઉપર એક જ કૂદકે ચડી જાઈ, વિજયથી ઊંચી જગા લઈ તેના પર દોડતો. આજે એ પ્રમાણે કરવા જતાં, તે વંડી પર ચડી શક્યો નહિ. તે વંડી પર ચડવાનો પ્રયત્ન કરતો કરતો, નિષ્ફળતાના ક્રોધથી ભસતો ભસતો, વંડીને અડીને ઘણે સુધી દોડ્યો પણ ઉપર ચઢી શક્યો નહિં. કાળિયો તેની સાથે દોડતો હતો અને આજ સુધી કાબરાના માનમાં તેણે વંડી ચડવાનો કદી પ્રયત્ન નહિ કરેલો, તે આ વખતે એક જ કૂદકાથી ચડી ગયો. કાબરો ઘડીભર આ જોઈ રહ્યો, અને પછી દૂર જઈ નીચે બેસી ગયો.

કાબરો ધીમે ધીમે ઘરડો થવા લાગ્યો. તે એક પગે હમેશ માટે જરા લંગડો થયો, તેને ઉધરસ પણ થઈ. અને આ ઉધરસ