પ્રમીલા : “ઈસપની ફેબલ્સ, પંચતંત્ર–હિતોપદેશની વાર્તાઓ.”
“એમાં પ્રાણીનું માત્ર નામ જ છે, તેની પાછળ ચોખ્ખો મનુષ્યસ્વભાવ જ છે. એ પ્રાણીએ મનુષ્યસ્વભાવનાં પ્રતીકો છે.
ધનુભાઈ : “આનાતોલ ફ્રાંસની એક વારતામાં પૅરિસ નામનો કૂતરો આવે છે, બીજી એકમાં હેમિલકાર નામની બિલાડી આવે છે.”
“હા, પણ તેમાં મુખ્ય તો મનુષ્યજીવન જ છે. કેટલાંક પ્રાણીઓનું જીવનમનુષ્ય સાથે ગૂંચાઈ ગયું છે, એટલે આવે છે, પણ તે આવે છે મનુષ્યજીવનને વ્યક્ત કરવા, જેમ, શરદબાબુની મહેશ વાર્તામાં બને છે તેમ, ચૅહૉવની એક વાર્તામાં એવી જ રીતે એક ઘરડો ઘોડો આવે છે, જેનો ધણી છેવટ ખાટકીને ત્યાં વેચે છે, પણ અહીં ક્યાંઈ પ્રાણીજીવન મુખ્ય નથી હોતું.”
ધીરુ બહેન : “તમારી વાર્તામાં પણ પંડ્યાંનાં છોકરાં આવે છે.”
“હા, પણ અહીં ક્રમ ઊલટો છે. આનાતોલ ફ્રાંસની વાર્તામાં મનુષ્ય જીવનમાં કૂતરું કે બિલાડી આવે છે, મારી વાર્તામાં કૂતરાના જીવનમાં મનુષ્યો આવે છે, અને તે કૂતરાનું જીવન વ્યક્ત કરવા.”
ધીરુ બહેન : “ ‘લાલીને લલાટે.’ એમાં તો લાલીનું જીવન તમારા કાળિયા કરતાં વધારે વિગતથી આવે છે.”
“ખરું. પણ વિચારી જોશો તો એ હિંદુ લોકો ઉપરની ટીકા છે. આખી વાર્તાના વ્યંગમાં એ જ છે.”
ધનુભાઈ : “પણ આ તો બધી આડી ટીકા છે. તમે ખૂબી કરીને અમને પ્રાણીજીવન એ નવીન વિષય છે એ વાતે ચડાવી દીધા. પણ ખરી ટીકા તો એ છે કે તમારી વાર્તામાં કશો ચમત્કાર નથી. તમે પોતે વાર્તામાં પેલી બાઈ દ્વારા કબૂલ કર્યું છે કે આમાં માણસ માણસ તરીકે કૂતરાના જીવનનું જાણે છે તે ઉપરાંત કશું નથી. તમે માત્ર એટલું બતાવ્યું છે કે કૂતરાના જીવનમાં ખાવું અને કામવાસના