પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
દ્વિરેફની વાતો.

નથી. આપણે જે કાંઈ જોઈએ છીએ તે દિશાઓમાં જ જોઈએ છીએ. તેમ હવે આપણે આપણા સંસ્કૃતિના સંસ્કારોથી કેવળ મુક્ત થઈને કશું અનુભવી શકીએ નહિ. પછી તમારે નવા સંસ્કારો પાડવા હોય તો પાડો, પણ તેને સંસ્કૃતિના સંસ્કારોથી મુક્ત—અલગ માનવા એ ભૂલ છે.”

પ્રમીલા : “પણ એટલેથી પત્યું ન સમજો, અમારે તો તમે આ વાતમાં અશ્લીલ વર્ણન કર્યું છે તે સામે વાંધો છે. તમારી ચર્ચા ઉપરથી જણાય છે કે તમારી વાર્તાનું વ્યક્તવ્ય તત્ત્વજ્ઞાનને લગતું છે. એવા ગંભીર વિષયમાં આવું અશ્લીલ વર્ણન જરા પણ ઉચિત નથી.”

"તમે બહુ ગંભીરતાથી વાંધો લીધો છે એટલે હું બહુ ગંભીરતાથી તેનો જવાબ આપીશ. પહેલું તો એ કે કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં સ્પષ્ટ કહેલ છે કે શાન્ત રસમાં નિર્વેદ બતાવવા અશ્લીલ વર્ણન કરી શકાય. જે વસ્તુ ગંદી છે તેને ગંદી કહેવી એમાં અનૌચિત્ય નથી. બીજું એ કે ફિલસૂફીના વિષય ઉપર એક ફિલસૂફીના ઇતિહાસ લેખકે લખેલા નિબંધમાં બીજા એક મહાન વિચારકનું અવતરણ આપેલું હું નીચે ઉતારું છું, તે જ એનો જવાબ છે. સદ્‌ભાગ્યે ત્યાં કૂતરાનું જ વર્ણન છે. અને મેં માત્ર કૂતરા પેશાબ કરે છે. એમ કહેલું છે, પણ ત્યાં કૂતરાની એથી પણ તમે અશ્લીલ ગણો એવી ક્રિયાનું વર્ણન છે. આ રહ્યું એ અવતરણ :

I am afraid that Carlyle's pungent metaphor, that nations, like dogs, seem to approach each other sometimes only to sniff at the shameful parts, is not out of date.*[૧]

—Kalki, 89

  1. *કેટલીક વાર મને એવો ભય રહે છે કે પ્રજાઓ કૂતરાઓની માફક એકબીજાંનાં ગુહ્યાંગોને સૂંઘવા માટે જ નજીક આવે છે, એ કાર્લાઈલનું વચન આજે પણ જૂનું થયું નથી.
    —કલ્કી, ૧૧૦